ગુજરાતટોપ ન્યૂઝ

હાઇકોર્ટના આદેશ બાદ રખડતાં ઢોર પકડવા તંત્ર એક્શનમાં, પણ ક્યાંક વિવાદ

Text To Speech

ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે બુધવારે કરેલા આદેશ બાદ રાજ્ય ભારમાં ઢોર પકડવા માટેનું તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યના વિવિધ શહેરમાં ઢોર પકડવા કાર્યરત થયું છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાંઅલગ-અલગ ટીમો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. જેમાં ક્યાંક ક્યાંક વિવાદ પણ સામે આવ્યો છે.

આ તરફ હાઇકોર્ટે આદેશમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને કહ્યું છે કે, રખડતા ઢોર મુદ્દે બે અધિકારીઓની તાત્કાલિક ધોરણે નિમણૂંક કરો. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયના અમલ મામલે પણ ધ્યાન રાખવામાં આવે તેમજ સાથે-સાથે પકડાયેલા ઢોરનું વ્યવસ્થાપન વ્યવસ્થિત થઈ શકે એ માટેનું પણ આયોજન કરવામાં આવે.

અમદાવાદમાં કામગીરી શરૂ

મહત્વનું છે કે, રાજ્યમાં રખડતાં ઢોરને લઇને ગુજરાત હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે કામગીરી કરવાનો આદેશ કર્યો છે. આથી, શહેરમાં CNCD દ્વારા શહેરના રોડ પર રખડતાં ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સેટેલાઇટ, નહેરુનગર અને પાંજરાપોળમાં ટીમનું પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સતત 3 દિવસ સુધી ઢોર પકડવા માટેનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. જોકે બીજી બાજુ અમદાવાદના રાણીપમાં હાઇકોર્ટના આદેશ બાદ પણ વિસ્તારમાં રખડતા પશુ જોવા મળ્યા. કોર્ટની ફિટકાર બાદ કોર્પોરેશન રખડતા ઢોરને કાબુમાં લેવા કામે લાગી ગયું છે.

stray-cattles-in-ahmedabad

વડોદરામાં ક્યાંક રખડતા પશુઓ અચાનક ગુમ તો ક્યાંક મહિલાઓ દ્વારા હુમલો કરાયો

બીજી બાજુ વડોદરામાં રખડતા પશુઓ અચાનક જ ગુમ થઇ ગયા હોય તેવાં દ્રશ્યો સર્જાયા છે. રખડતા પશુઓને શોધવા માટે નીકળેલી ઢોરપાર્ટીને શહેરમાં રખડતા પશુ જ નથી મળી રહ્યાં. તો ક્યાંક શહેરના બાપોદ, કપુરાઇ બ્રિજ નજીક તો ઢોર પકડનારી ટીમ પર મહિલાઓએ હુમલો કર્યો છે. પોલીસની હાજરીમાં જ મહિલાઓએ દાંતરડા અને પથ્થર વડે હુમલો કર્યો. હુમલો કરી મહિલાઓએ 2 ઢોરને છોડાવ્યા હતા. આ ઘટનામાં પશુપાલકોએ મહિલાઓને આગળ કરી હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે કોર્પોરેશને આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે, વડોદરામાં પણ રખડતા ઢોરના કારણે છાશવારે અકસ્માત અને મૃત્યુના કિસ્સા બને છે.

stray-cattles-in- Surat

સુરતમાં પણ તંત્ર જાગ્યું

સુરત મ્યુનિ.ના અનેક ઝોનમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે પાલિકા ઢોર પકડવાની આંકડાકીય માહિતી જાહેર કરે છે પરંતુ રસ્તા પરથી ઢોરનો ત્રાસ દૂર થતો નથી કે ઓછો પણ થતો નથી. આવા સમયે કોર્ટ દ્વારા સરકારને કરવામાં આવેલી ટકોર બાદ સુરત પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાના કતારરગામ ઝોન દ્વારા આજે આંબા તલાવડી, સતાધાર સોસાયટી અને તાપી નદીના પાળાની આસપાસ ગેરકાયદે ઢોર તબેલા સામે કાર્યવાહી શરૂ કરી છે. કતારગામ ઝોનમાં આજે કામગીરી કરી પરંતુ આવી જ ગંભીર સમસ્યા રાંદેર અને વરાછા ઝોન સહિત અન્ય ઝોનમાં પણ છે. આ વિસ્તારમાં રખડતા ઢોર લોકો માટે ન્યુસન્સ બની રહ્યાં છે તેના કારણે આ કામગીરી અન્ય ઝોનમાં પણ કરવામા આવે તેવી માગણી થઈ રહી છે.

આ પણ વાંચો : રખડતા ઢોર મુદ્દે રાજ્ય સરકાર એક્શનમાં, મહાનગરપાલિકા અને નગરપાલિકાને ફટકાર

Back to top button