ગુજરાતમાંઃ વરસાદથી તબાહ ખેડૂતોનું 28 ઓક્ટોબરથી આંદોલન, 6 નવેમ્બરે મહાસંમેલન
ગાંધીનગર, 23 ઓકટોબર, પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. અત્યારે ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. રાજ્યના ખેડૂતોની દયનીય સ્થિતિ હોવા છતાં સરકાર હજી સુધી મૌન જોવા મળી રહી છે. વળતરની જાહેરાત તો કરી દેવામાં આવે છે, પરંતુ તે ચુકવાય છે કે કેમ?? તે અંગે આગળ કોઈ જોતું નથી. આ ઉપરાંત ઈકો સેન્સિટીવ ઝોનના મુદ્દે પણ ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ છે. ખેડૂતો ન્યાય માટે આંદોલનની તૈયારી કરી રહ્યા છે. 28મી ઓક્ટોબરથી કોંગ્રેસ આંદોલન કરશે જ્યારે 6 નવેમ્બરે ખેડૂતોનું મહાસંમેલન યોજવાનું આયોજન છે.
ખેડતો અને કોંગ્રેસ કરશે આંદોલન
અત્યારે ખેડૂતોના તૈયાર પાકના પથારાઓ પાણીમાં તરી રહ્યા છે. ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે સરકાર તાત્કાલીક કોઈ નિર્ણય જાહેર નહીં કરે તો 28 ઓક્ટોબરથી ખેડૂતોના હક્ક-અધિકાર માટે સરકારને ઢંઢોળવા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા અને દિવાળી સુધી સરકાર જો કોઈ નિર્ણય જાહેર ન કરે તો 6 નવેમ્બર-લાભ પાંચમના દિવસે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ખેડૂતોનું મહાસંમેલન યોજવાનું એલાન કર્યું હતું. 25 ઓક્ટોબરે ‘સંયુક્ત કિસાન મોરચો-ગુજરાત’ અને ઘેડ વિકાસ સમિતિના નેજા હેઠળ ‘ખેડૂત મહાપંચાયત’માં દિલ્હીથી યોગેન્દ્ર યાદવ અને ખેડૂતપુત્ર કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ હાજર રહેશે. કોંગ્રેસે માંગ કરી છે કે, ખેડૂતોની ખેતી બરબાદ થઇ છે તેમ છતાં સરકારને કઇ પડી જ નથી ત્યારે 140 ટકાથી વધારે વરસાદ વરસ્યો હોય તો 104 તાલુકામાં લીલો દુષ્કાળ કેમ જાહેર કરો. ખેડૂતો તેમનો હક્ક માંગે છે, ભીખ નહી. આ મુદ્દે તાલુકા સ્તરે જઈને પણ આંદોલન કરવામાં આવશે.
ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણને લઇ ભારતીય કિસાન સંઘે મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે. પત્રમાં ખેડૂતોની કફોડી સ્થિતિનો ઉલ્લેખ કરી ખેતીને અગાઉ થયેલા નુકસાનની ઝડપથી ચુકવણી કરવા માંગણી કરી હતી સાથે જ એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે હાલ જે માવઠું પડ્યું છે તે અંગે પણ ઝડપથી સર્વે થાય. રાસાયણિક ખાતરની અછત મામલે પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને ઉજાગરા વેઠી ખાતર માટે લાઈન લગાવવી પડે છે, આ સ્થિતિ દૂર કરવા રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો મળે તેવી સરકાર વ્યવસ્થા કરે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન મામલે પણ ખેડૂતોમાં અસંતોષ વ્યાપેલો છે તેને દૂર કરવા યોગ્ય પગલાં ભરવામાં આવે.
સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા પર ઉતરવા કોંગ્રેસની તૈયારી
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થઇ પણ હજુ પણ સર્વે કરવામાં આવ્યુ નથી. આ ઉપરાંત કમોસમી વરસાદથી થયેલાં નુકશાનીનો સર્વે પણ શરૂ કર્યો નથી. આમ, ગુજરાતમાં ખેડૂતોના ન્યાય માટે આંદોલન કરવા ખેડૂત સંગઠનો-કોંગ્રેસ મેદાને પડ્યાં છે. કોંગ્રેસના સમયમાં સ્વ. રાજીવ ગાંધીએ શરૂ કરેલી પાક વીમા યોજનાને બંધ કરીને ભાજપે પ્રધાનમંત્રી ફસલ યોજના જે ખાનગી વૂમા કંપનીને કરોડો રૂપિયાના ફાયદા માટે લાગુ કરી, પરંતુ વ્યાપક વિરોધ બાદ ગુજરાતની ભાજપ સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરીને નવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી પણ એમાંય ખેડૂતોને રાતી પાઇ પણ આપ્યા વિના આ યોજના પણ 2 વર્ષ આ યોજના કાગળ પર ચલાવી બંધ કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે કહ્યું કે, ખેડૂતો બરબાદ થતા રહે, સરકાર સાંભળે જ નહીં તો ક્યાં સુધી ચૂપ બેસી રહીશું? સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા પર ઉતરવા કોંગ્રેસની તૈયારી છે.
જાણો કેટલું થયું નુકસાન??
સૌરાષ્ટ્રના ખેડૂત સંગઠનોએ પણ ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે તારીખ 25૫મી ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયત બોલાવી છે જેમાં કિસાન નેતા યોગેન્દ્ર યાદવ અને કુસ્તીબાજ બજરંગ પુનિયા ખાસ હાજર રહેશે. ખેડૂતોની માંગ છે કે, ચાલુ વર્ષે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તેવા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ખેડૂતોનું ચાલુ વર્ષની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ. ઘેડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે સરકારી ઘેડ વિકાસ નિગમ બનાવવું જોઈએ. આ ઉપરાંત ઈકો સેન્સીટીવ ઝોનથી 196 ગામડા પ્રભાવિત છે, માટે સરકારે આ યોજનાને રદ કરવી જોઈએ. શાકભાજી અને બાગાયતી પાકોને થયેલ નુકસાનનો તત્કાલ સરવે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે. ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાક મળી કુલ રૂ. 150 કરોડ રૂપિયા જેવું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો…શું રાજ્યની નગરપાલિકાઓને બિલ ભરવાના પડ્યા ફાંફા? બિલો ભરવા લોન લેવી પડી?