અમદાવાદ, 29 જૂન 2024, આગામી સાતમી જૂનના રોજ રાજ્યમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્ચાએ નીકળશે. ત્યારે સુરક્ષા બંદોબસ્ત માટે પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરવખતની જેમ આ વખતે પણ પોલીસે ટેકનોલોજીથી સર્વેલન્સ કરવાનું શરૂ કર્યું છે. આ રથયાત્રાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં તે માટે આજથી સાત તારીખ સુધી તમામ પોલીસ કર્મીઓની રજાઓ રદ કરી નાંખવામાં આવી છે.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ સહિતના શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. અમદાવાદમાં આ વખતે 147મી રથયાત્રા નીકળશે. ત્યારે સુરક્ષાના ભાગ રૂપે પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં અને શાંતિ પૂર્વક ભગવાનની યાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજયના પોલીસવડા વિકાસ સહાયે એક યાદીમાં જણાવ્યું છે કે, રથયાત્રાને લઈને 29 જૂનથી 7 જુલાઈ સુધી પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં મુકવાના હોવાથી તમામની રજાઓ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. તે ઉપરાંત પોલીસ અધિકારીઓ રજા માંગે અને રજાનું કારણ યોગ્ય હોય તો જ તેમની રજા મંજૂર કરવાનો આદેશ કર્યો છે.
અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ
શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી સમગ્ર રથયાત્રાના રૂટ પર સેક્ટર એકના એડિશનલ સીપી નિરજ બડગુજરે અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. શહેરમાં સાતમી જુલાઈના રોજ યાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે એક મહિના પહેલાથી અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. રથયાત્રાને માટે એક્શન પ્લાન પણ તૈયાર કરાયો છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વર્ષે એઆઈ ટેક્નિકલોજીથી સજ્જ 360 ડિગ્રીવાળા એક કિલોમીટરથી વધુની રેન્જ સુધી સ્પષ્ટ જોઇ શકાય તેવા કેમેરા રથયાત્રા રૂટ પર સૌથી ચાર સેન્સેટિવ પોઇન્ટ પર લગાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃઅમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટે.માં BJPના નેતાનો બર્થ ડે ઉજવાયો? પોલીસે કર્યો ખુલાસો