ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

વિદેશ મંત્રી એસ.જયશંકરે કેનેડા માટે વિઝા સેવા શરૂ કરવા મૂકી શરત, જાણો શું છે ?

  • ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ નાજુક પરિસ્થિતિમાં
  • ભારત કેનેડા માટે વિઝા શરૂ કરી શકે છે : વિદેશ મંત્રી જયશંકર
  • કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા મુદ્દે વિઝા સર્વિસ બંધ કરી હતી : વિદેશ મંત્રી

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ છે. આ સંબંધોને લઈને સોમવારે વિદેશ પ્રધાન એસ.જયશંકરે જણાવ્યું હતું કે, જો ભારત કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે, તો તે ટૂંક સમયમાં કેનેડિયનો માટે વિઝા સેવા શરૂ કરી શકે છે. ભારત દ્વારા વિઝા સેવા થોડા અઠવાડિયા માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. તેનું મુખ્ય કારણ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષાની ચિંતા હતી. કેનેડા ભારતીય રાજદ્વારીઓ માટે સલામત વાતાવરણ પૂરું પાડી શક્યું નથી, જે વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા છે. તેનું કારણ છે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા, જેનો કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો હતો. કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને ઓટાવા છોડવા પણ કહ્યું હતું. ભારતે શરૂઆતમાં નિજ્જરની હત્યામાં કોઈ સંડોવણીનો ઈન્કાર કર્યો હતો. આ પછી બદલામાં, કેનેડિયન રાજદ્વારીને નવી દિલ્હી છોડવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.

વિદેશ મંત્રી એસ.જયશંકરે શું જણાવ્યું ?

વિદેશ પ્રધાન જયશંકર દ્વારા જણાવવામાં આવ્યું કે, “જો ભારતીય રાજદ્વારીઓને વિયેના સંમેલન મુજબ કેનેડામાં સુરક્ષા આપવામાં આવે છે, તો અમે વિઝા સેવા શરૂ કરવાનું વિચારીશું. હું આશા રાખું છું કે આ ખૂબ જ જલ્દી થવું જોઈએ. થોડા અઠવાડિયા પહેલા ભારતે કેનેડામાં વિઝા આપવાની પ્રક્રિયા બંધ કરી દીધી હતી. આનું કારણ એ હતું કે કેનેડામાં અમારા રાજદ્વારીઓ માટે કામ પર જવું સલામત નહોતું. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમારે અસ્થાયી રૂપે વિઝા સેવા બંધ કરવી પડી હતી.

વિદેશ મંત્રીએ આશા વ્યક્ત કરી કે સુરક્ષાની સ્થિતિમાં સુધારો થશે. તેમણે કહ્યું કે, “જો સુરક્ષામાં સુધારો થશે તો રાજદ્વારીઓ માટે વિશ્વાસ સાથે કામ કરવું શક્ય બનશે. રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ વિયેના સંમેલનનું સૌથી મૂળભૂત પાસું છે. અત્યારે કેનેડામાં આવા ઘણા પડકારો છે, જેના કારણે આપણા લોકો સુરક્ષિત નથી. અમારા રાજદ્વારીઓની સુરક્ષા પણ ખતરામાં છે. રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ થતાં જ વિઝા સેવા શરૂ થશે.

ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને દેશ છોડવાનો આપ્યો હતો આદેશ

કેનેડાના 41 રાજદ્વારીઓ તાજેતરમાં ભારત છોડી ગયા છે. તેમને નવી દિલ્હી છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ વિશે વાત કરતાં વિદેશ મંત્રીએ કહ્યું કે, “વિયેના સંમેલન દ્વારા રાજદ્વારીઓની સંખ્યામાં સમાનતા એ એક પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય નિયમ છે. આ સમગ્ર મામલો એક દેશમાં કેટલા રાજદ્વારીઓ હોવા જોઈએ તેવો જ છે. આ એક સિસ્ટમ છે જે બંને દેશોને લાગુ પડે છે. અમે કેનેડાને સંખ્યા સમાન રાખવા આ કર્યું કારણ કે તેના અધિકારીઓ દખલગીરી કરી રહ્યા હતા.

આ પણ વાંચો :ન્યુઝીલેન્ડને ધર્મશાળામાં 4 વિકેટે આપી માત : ભારતે લીધો 2019નો બદલો

Back to top button