ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેમાં હાલ તો કોઈ રાહત મળશે તેવું લાગતું નથી. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં હજુ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. હજુ 3 દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે.
રાજ્યના 5 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન
તાપમાનની જો વાત કરીએ તો રાજ્યમાં કંડલામાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચ્યું છે તો અમદાવાદ અને રાજકોટમાં 43.7 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 43 જ્યારે ડીસામાં 42.4 ડિગ્રી તાપમાન, પાટણમાં 42.4 ડિગ્રી જ્યારે ભાવનગરમાં 41.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. રાજ્યના 5 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન હાલ નોંધાયું હતું
ગરમીથી છુટકારો મેળવવા લોકોના પ્રયાસ
ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચકાઈ રહ્યો છે, તેમ તેમ લોકોની પરેશાનીમાં પણ વધારો થઈ રહ્યો છે. આવી ધોમધખતી ગરમીમાં લોકો ઠંડી ચીજ વસ્તુઓનું સેવન કરી રહ્યાં છે. તો અમદાવાદમાં ભીષણ ગરમીથી બચવાનો લોકો પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં બરફના ગોળા, શેરડીનો રસ અને લીબુંનો લોકો સહારો લી રહ્યાં છે.
આ ઉપરાંત અકળાવી નાખનાર આ ગરમીમાં ઠંડક મેળવવા લોકોએ પર્યટન સ્થળ ખાસ કરીને ઠંડકવાળી જગ્યા તરફ પર દોટ મુકી રહ્યાં છે. મોટા ભાગે લોકો દીવ-દમણ જઈ રહ્યાં છે. ગરમીથી છુટકારો મળતા અને પ્રવાસને વેગ મળતાં 2 વર્ષથી ઠપ્પ થયેલા દીવ-દમણ સહિતના પર્યટન ઉદ્યોગને પણ ગતિ મળી છે. ત્યારે ઉનાળુ વેકેશન શરૂ થતાં અમદાવાદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ-દમણની મુલાકાતે આવી રહ્યા છે અને ટાઢક મેળવી રહ્યાં છે. તો બીજી તરફ અમદાવાદમાં આગ ઝરતી ગરમીથી રાહત મેળવવા મનપાના સ્વિમિંગ પુલમાં પણ લોકોનો ઘસારો જોવા મળ્યો છે. જેમાં સામાન્ય સિઝન કરતા 3 ગણા લોકો સ્વિમિંગ પુલ પહોંચી રહ્યા છે ત્યારે નાના બાળકો માટે અલગ સમર વેકેશન બેચ શરુ કરાઈ છે.
દિલ્હી સહિત આજુબાજુના વિસ્તારોમાં ગરમીનો પારો 50 ડિગ્રી નજીક
રાજધાની દિલ્હીમાં ઉનાળાની ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રવિવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. દિલ્હીના મુંગેશપુર અને નજફગઢમાં પારો 49 ડિગ્રી સેલ્સિયસથી ઉપર, મુંગેશપુરમાં 49.2 અને નજફગઢમાં 49.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. ગત શનિવારે પણ ગરમીની લહેરથી દિલ્હીવાસીઓના ચહેરા પર રોનક આવી ગઈ હતી. શનિવારે મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ હતું.
જો કે આગામી બે દિવસ સુધી દિલ્હીવાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે અને મંગળવારે દિલ્હીમાં કેટલીક જગ્યાએ હળવા ઝરમર વરસાદ સાથે ધૂળની ડમરીઓ પણ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
હરિયાણામાં પણ ગરમીનો પારો 47 ડિગ્રીને પાર
દિલ્હીની નજીક સ્થિત હરિયાણાના ગુરુગ્રામમાં મહત્તમ તાપમાન 48.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 10 મે, 1966 પછી સૌથી વધુ 49 ડિગ્રી સેલ્સિયસ છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે પંજાબ અને હરિયાણા પર ચક્રવાતી પરિભ્રમણને કારણે, પ્રિ-મોન્સુન પ્રવૃત્તિઓ થશે. જેના કારણે સોમવાર અને મંગળવારે ગરમીથી થોડી રાહત મળી શકે છે.