ગુજરાતટોપ ન્યૂઝ

સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલમાં ધરખમ વધારો

Text To Speech

ગુજરાતમાં સિંગતેલને મોંઘુદાટ થયુ છે. જેમાં એક દિવસમાં ડબ્બે રૂપિયા 50નો વધારો કરવામાં આવ્યો છે. મગફળી ઉત્પાદન વધીને વર્ષે 43 લાખ ટન થવા છતાં સિંગતેલની માંગ વધી નથી, સાઈડ તેલો ઘટી રહ્યા છે, સપ્લાય જારી છે છતાં સિંગતેલના ભાવમાં બેફામ વધારો કરવામાં આવ્યો છે. તેમજ સૌરાષ્ટ્ર સિંગતેલ રૂ.2820એ પહોંચ્યું છે.

નવા ડબ્બાના ભાવ રૂ. 2000ની સપાટી તોડીને નીચે ઉતર્યા

રાજકોટ તેલ બજારમાં એક તરફ કપાસિયા તેલ ઘટીને 15 કિલો નવા ડબ્બાના ભાવ રૂ. 2000ની સપાટી તોડીને નીચે ઉતર્યા છે અને આજે પણ રૂ. 1940-1990ના ભાવે સોદા થયા હતા. જ્યારે સિંગતેલમાં આજે એક દિવસમાં રૂ. 2710- 2770થી ભાવ વધીને રૂ. 2730- 2820 ઉપર પહોંચાડી દેવાયા છે. હાલ, (1) મગફળીની કોઈ તંગી નથી (2) સિંગતેલની માંગમાં અચાનક મોટો વધારો થયો નથી (3) મિલોથી સપ્લાય ઘટયો નથી (4) સાઈડ તેલોના ભાવ વધ્યા નથી પરંતુ, નોંધપાત્ર ઘટયા છે અને છતાં ભાવ વધારો એ દેખીતી રમત જણાય છે.

પ્રતિ હેક્ટર 1815 કિલોની ઉપજ મળી

ખેડૂતોની મહેનતથી ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ગત બે વર્ષમાં અગાઉના વર્ષ કરતા 35થી 40 ટકા અને વર્ષે આશરે 12 લાખ ટનનો તોતિંગ વધારો થવા સાથે બે વર્ષથી વાર્ષિક 43 લાખ ટનનું મબલખ વિક્રમી ઉત્પાદન થાય છે. છતાં સરકાર અને મિલરોના મોંઘા તેલના ખેલની ભેદી નીતિના પગલે આજે સૌરાષ્ટ્ર સિંગતેલના ઉંચા ભાવમાં ભાવમાં એક દિવસમાં જ ડબ્બે રૂ. 50નો વધારો ઝીંકી દેવાયો છે. ગુજરાતમાં ઈ.સ. 2016-17થી 2018-19ના વર્ષ દરમિયાન સરકારી સૂત્રો મૂજબ ત્રણ વર્ષમાં સરેરાશ 16.29 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું અને 29.58 લાખ ટન ઉત્પાદન થયું હતું. પ્રતિ હેક્ટર 1815 કિલોની ઉપજ મળી હતી.

17.09 લાખ હેક્ટરમાં 42,63,550 ટન મગફળી પાકી

આ સામે ગત વર્ષ ઈ.સ.2021- 22માં 19.87 લાખ હેક્ટરમાં 44.90 લાખ ટનનું અને ચાલુ વર્ષે દ્વિતીય પ્રગતિશીલ અંદાજ મૂજબ 17.09 લાખ હેક્ટરમાં 42,63,550 ટન મગફળી પાકી છે. ગત વર્ષે સારા અને સાનુકૂળ વરસાદથી હેક્ટર દીઠ 2495 કિલો જેટલી નોંધપાત્ર ઉપજ મળી છે. આમ બે વર્ષથી મગફળી કે જેમાંથી સિંગતેલ નીકળે છે તેનો રેકોર્ડબ્રેક પાક થયો છે. જ્યારે કૃષિપાક વધુ થાય ત્યારે તેને પ્રોસેસ કરીને બનતી ચીજના ભાવ ઘટવા જોઈએ અને તેમ થાય તો પણ ઉત્પાદન અને વેચાણ વધારે હોય આવક ઘટતી નથી.પરંતુ, અર્થશાસ્ત્રનો સહજ નિયમ પણ સિંગતેલ બજારમાં લાગુ પડતો નથી.

Back to top button