ગુજરાતમાં BJPએ માથાનો દુખાવો દૂર કરવા કેટલાક નેતાઓને જવાબદારી આપી
ભાજપ શિસ્ત બદ્ધ પાર્ટી માનવામાં આવે છે પરંતુ જયારે સેન્સ પ્રક્રિયા થાય ત્યારે નેતાઓને જાણે કે બધી જ શિસ્ત ભુલાઈ જતી હોય તેવી સ્થિતિ નિર્માણ પામે છે. ઘણી બેઠકો પર કકળાટ થયો પત્રિકાઓ અને કાર્ટૂન વાયરલ થયા તો ઘણી હાઈપ્રોફાઈલ બેઠકો પર અધધ કહી શકાય એટલા દાવેદારોએ ટિકિટ માંગી કે પાર્ટી મૂંઝવણમાં મુકાઈ ગઈ કે કોને આપવીને કોની કાપવી. બીજેપી દ્વારા ડેમેજ કંટ્રોલ માટે એક ટીમ બનાવી તેમાં નેતાઓને સમજાવવા અને મનાવવા માટે મથામણ કરવામાં આવશે. આખરે કઈ કઈ સીટ એવી છે આવો જાણીએ.
ઘણી સીટ એવી છે જેમાં નેતાઓ પોતાનો વિટો વાપરશે
બીજેપીની 2 દિવસની સેન્સ પ્રક્રિયા થઇ જેમાં નેતાઓએ હક્ક સમજીને ટિકિટ માંગી. પરંતુ ઘણી બેઠકો એવી છે જે પાર્ટી માટે માથાના દુખાવા સાબિત થઇ છે. અને તે દુખાવો દૂર કરવા માટે કેટલાક નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. ઘણી સીટ એવી છે જેમાં નેતાઓ પોતાનો વિટો વાપરી પોતાને અથવા પોતાનાને ટિકિટ મળે તેના માટે કવાયત કરી રહ્યા છે. પરંતુ હોગા વહી જો મંજુરે ખુદા હોગા જેવી સ્થિતિ છે પરંતુ એ બાદ ડેમેજ થશે એ પણ બીજેપીને અત્યારથી ખબર છે અને એટલા માટે જ બીજેપી ડેમેજ કંટ્રોલ માટે કવાયત કરશે. પહેલા એ વાત કરીએ કે ક્યાં ખેંચતાણ છે.
રાજકીય આકાઓ મારફતે એક બીજાની ટિકિટ કપાઈ તેના પ્રયાસ તેજ
અમદાવાદની વાત કરીએ તો શહેરમાં સ્થાનિક સ્તરે જુથવાદના કારણે બીજેપીના નેતાઓજ સીટિંગ MLA કે મંત્રીની સામે પડી રહ્યા છે. અસારવા વિધાનસભામાં પ્રદીપ પરમાર સામે અન્ય જૂથ દ્વારા 48 જેટલા બાયોડેટા મુકાવ્યા છે. જેમાંથી મોટાભાગના બાયોડેટા અન્ય વિસ્તારના છે સ્થાનિક સ્તરેથી તો માત્ર 15 જેટલા જ બાયોડેટા મળ્યા છે. તો આવી જ રીતે એલિસબ્રિજ વિધાનસભા બેઠક માટે પણ કકળાટ ચાલી રહ્યો છે. આ બેઠક માટે સીટિંગ MLA રાકેશ શાહ અને શહેર પ્રમુખ અમિત શાહ વચ્ચે ખેંચતાણ છે અને ત્યાં સુધી કે બંને એ અબોલા કર્યા છે. ધાર્મિક ગુરુઓના શરણે ગયા અને રાજકીય આકાઓ મારફતે એક બીજાની ટિકિટ કપાઈ તેના પ્રયાસ તેજ કરી દીધા છે.
આ પણ વાંચો: પાટીલે જૂથવાદ મુદ્દે આપ્યું મોટું નિવેદન, ટિકિટ માંગતા ઉમેદવારોની કરી મહત્વની વાત
હિંમતનગરમાં ટેગ લાઈન હતી કે ચા વાળો ચાલશે પણ ચાવડા નહિ
રાજકોટમાં બીજેપી માટે હાઈપ્રોફાઈલ સીટ છે જેમાં વિજય રૂપાણીને ચૂંટણી નથી લડવી તેમ છતાં કેટલાક નેતાઓએ છેલ્લી ઘડીએ રૂપાણીનું નામ આગળ ધરી દીધું છે. તો મહેસાણા બેઠક પર અત્યાર સુધી નીતિન પટેલ ચૂંટણી લડતા અને જીતતા આવ્યા છે પરંતુ આ વખતે 23 જેટલા બાયોડેટા નીતિન પટેલની સામે દાવેદારી માટે આવ્યા છે. તેમજ અમરાઈવાડી સીટ પર જગદીશ પટેલ સામે પત્ર લખવામાં આવ્યો અને તેને ટિકિટ નહિ આપવા રજુઆત કરવામાં આવી છે તથા હિંમતનગર બેઠકમાં ચાલુ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ચાવડા સામે પહેલા પત્ર વાયરલ થયો અને બાદમાં તેના કાર્ટૂન પણ વાયરલ થયા છે અને ટેગ લાઈન હતી કે ચા વાળો ચાલશે પણ ચાવડા નહિ.
આ પણ વાંચો: પાસ નેતા અલ્પેશ અને ધાર્મિક ‘આપ’ સાથે, આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
અમારામાંથી કોઈને ટિકિટ આપો તો જિતાડશું
ઇડરમાં પણ રમણલાલ વોરા સામે પત્રિકા ફરતી કરવામાં આવી રહી છે અને તેને ટિકિટ નહિ આપવા માટે લખાણ લખવામાં આવ્યા છે. બાપુનગરમાં તો બીજેપીના ઇતિહાસમાં ના થઇ હોય એવી સ્થિતિ સર્જાઈ છે. નેતાઓએ પોતાના માટે અને મળતિયાઓ માટે ઠરાવ પસાર કરી નિરીક્ષક સામે રજૂ કર્યો કે અમારામાંથી કોઈને ટિકિટ આપો તો જિતાડશું મતલબ સાફ છે કે અન્ય કોઈને ટિકિટ આપી તો બાપુનગરમાં ભાજપની હાર થશે. આમ રાજ્યની અનેક બેઠક છે. જેમાં બીજેપીને ભારે કમઠાણ થઇ રહી છે. જો કોઈ એકને ટિકિટ આપે તો અન્ય નારાજ થાય અને બીજેપીને ભારે નુકશાન વેઠવું પડે અને તેનો સીધો ફાયદો
અન્ય રાજકીય પાર્ટીઓને થઇ શકે છે.
બાગીઓ પર ચૂંટણી બાદ રાજકીય કતાર ફેરવી દેવામાં આવશે
2 દિવસ આ જે રાજકીય નાટકો ચાલ્યા તેનાથી હાઇકમાન્ડ વાકેફ છે. અને આના માટે કેટલાક નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. આગામી 1 નવેમ્બરે લગભગ જિલ્લામાં સંકલન બેઠક મળશે અને તેમાં આવેલા નામો પર મંથન થશે અને બાદમાં એ નામ પ્રદેશને સોંપવામાં આવશે. સાથે જ જે સીટ પર સૌથી વધારે કકળાટ જોવા મળશે. તેમાં જે નેતાઓને કાપવાના છે. તેને પ્રદેશના નેતાઓ દ્વારા શામ દામ દંડની નીતિ અપનાવી કામે લાગવા સૂચના આપવામાં આવશે તો ઘણા નેતાઓને બોર્ડ નિગમ કે અન્ય હોદ્દા માટે ગાજર લટકવવામાં આવશે. તો ઘણાને ધમકાવવામાં આવશે તો ઘણા ને નહિ નડવા માટે સૂચના આપવામાં આવશે. તેમજ અમુક નેતાઓને રૂપાણીની જેમાં સાચવી લેવા માટે પણ કહેવામાં આવશે. આમ બીજેપી દ્વારા તમામ સીટ પર આ કવાયત કરવામાં આવશે. જેમાં પ્રદેશના કેટલાક નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે તેમના દ્વારા આવા નેતાઓ સાથે સંકલન કરવામાં આવશે. તેમ છતાં જો એ નેતા નહિ મને તો તેનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપી તેના પર ચૂંટણી બાદ રાજકીય કતાર ફેરવી દેવામાં આવશે.