ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2024, આજે ગુજરાત વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે. ગૃહમાં ઈજનેરી અને મેડિકલ કોલેજોને લઈને સવાલો થયા હતાં. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 6 સરકારી કૉલેજ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 13 GMERS કૉલેજ સહિત 40 મેડિકલ કૉલેજ ઉપલબ્ધ છે. રાજ્યના બાકી રહી જતા જિલ્લાઓમાં પણ મેડિકલ કૉલેજ કાર્યરત કરાવવા સરકારે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. તે ઉપરાંત હાલ કુલ 16 સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત હોવાનું પણ ગૃહમાં સરકારે જણાવ્યું હતું.
700 બેઠક ઉપલબ્ધ કરાવવા સરકારે આયોજન હાથ ધર્યું
ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ 40 મેડિકલ કૉલેજ અંતર્ગત U.G.(સ્નાતક) ની 7050 અને P.G.(અનુસ્નાતક)ની 2761 બેઠક ઉપલબ્ધ છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મેડિકલ બેઠકોમા થયેલ વધારાની વિગતો જોઇએ તો સ્નાતકની 1350 અને અનુસ્નાતકની 531 બેઠકો વધી છે.વર્ષ 2027 સુધીમાં U.G.(સ્નાતક) ની 8500 અને P.G.(અનુસ્નાતક) ની અંદાજિત 3700 બેઠક ઉપલબ્ધ કરાવવા સરકારે આયોજન હાથ ધર્યું છે.
830 અનુસ્નાતક બેઠકની સામે 2947નો વધારો થયો
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, GMERS કૉલેજ માં અભ્યાસ કરતા અંદાજિત 2400 વિદ્યાર્થીઓ પૈકી 1743 એટલે કે 72% વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફીમાં રાહત આપવામાં આવે છે. છેલ્લા 2 દાયકામાં મેડિકલ કૉલેજ અને બેઠકોમાં થયેલ વધારાની સ્થિતિ જોઇએ તો, વર્ષ 2001માં 10 મેડિકલ કૉલેજની સામે વર્ષ-2024માં 40 કૉલેજ, 1275સ્નાતક બેઠકની સામે 7050 અને 830 અનુસ્નાતક બેઠકની સામે 2947નો વધારો થયો છે.
હાલ કુલ 16 સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત
તેમણે કહ્યું હતું કે,યુ.એન.મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલને સરકારે ગ્રાન્ટની ફાળવણી કરી આપી છે. બીજી તરફ ઈજનેરી કોલેજો અને તેમાં ખાલી જગ્યાઓ મુદ્દે પુછાયેલા સવાલના જવાબમાં સરકારના મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ઇજનેરી સરકારી કોલેજોમાં વર્ગ-1, 2, 3માં અંદાજે 60 ટકા જગ્યાઓ ખાલી છે. જેમાં વર્ગ-1ની કુલ 534 જગ્યાઓ સામે 316 જગ્યાઓ ખાલી છે. હાલ કુલ 16 સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત છે.
આ પણ વાંચોઃગુજરાતમાં ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવા પર નિયંત્રણ લાગશે, બિલ વિધાનસભામાં પસાર