અમદાવાદએજ્યુકેશનગુજરાત

ગુજરાતમાં 26થી 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવઃ ધો.11 સુધી 32.33 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે

ગાંધીનગર, 24 જૂન 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજનારા ૨૧મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આપણે હવે શાળાઓમાં વિશેષ શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ગ્રામ્ય સ્તરથી લઈને શહેરી વિસ્તારો સુધી એક સમાન સ્માર્ટ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હોય તેના પર આ પ્રવેશોત્સવમાં ફોકસ કરવું છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા બે દાયકાથી વડાપ્રધાન મોદીની કન્યા કેળવણીની સંકલ્પના સાકાર કરવા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે. આ મહોત્સવની ૨૧મી કડી આગામી ૨૬ થી ૨૮ જૂન દરમિયાન ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે યોજાવાની છે.

૩.૬૦ લાખથી વધુ બાળકો આ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ લેશે.
મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું કે,ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયોમાં પણ મોટો ઘટાડો લાવી શકાયો છે. વધુ ને વધુ દીકરીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાય તેને પ્રોત્સાહન આપવાં ‘નમો લક્ષ્મી’ અને વિજ્ઞાન પ્રવાહમાં વધુ બાળકો આવે તે માટે ‘નમો સરસ્વતી’ યોજના આપણે શરૂ કરી છે. તેનો મહત્તમ લાભ છેવાડા સુધી પહોંચાડવા પ્રવેશોત્સવમાં જનાર સૌ કોઈ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા સ્તરે વાલીઓને આ યોજનાઓની સમજ આપે તે જરૂરી છે. મુખ્યમંત્રીએ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરનારા અગ્રીમ રાજ્યોમાં ગુજરાત એક છે અને વિકસિત ભારત ૨૦૪૭નો રોડમેપ શિક્ષણના સર્વગ્રાહી વિકાસથી કંડારવાનું આયોજન છે તેની પણ ભૂમિકા આપી હતી. શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે ૧૧.૭૦ લાખથી વધુ બાળકો પ્રવેશ લેશે. આ ઉપરાંત ૩.૬૦ લાખથી વધુ બાળકો આ વર્ષે સીધાં પહેલા ધોરણમાં પ્રવેશ લેશે.

બાળકો શિક્ષણ પૂર્ણ કરે તેની કાળજી લેવામાં આવશે
શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોરે ઉમેર્યું હતું કે, આ વખતે શિક્ષણ વિભાગે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને બાળકના જન્મ અને રસીકરણની વિગતો મેળવીને, દરેક પ્રવેશપાત્ર બાળકની ટેકનૉલોજિના ઉપયોગથી ઓળખ કરી છે. પ્રવેશોત્સવ પહેલાં જ પ્રવેશ મેળવનાર બાળકોની નામ સાથેની યાદી જે તે શાળામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યાદી મુજબનાં તમામ બાળકોને આ વખતે પ્રવેશ આપવામાં આવશે. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના માધ્યમથી પ્રવેશ બાદ પણ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ દ્વારા સતત મોનિટરિંગ કરીને આ બાળકો શિક્ષણ પૂર્ણ કરે તેની કાળજી લેવામાં આવશે. છેલ્લાં થોડાંક વર્ષોમાં પ્રાથમિક શાળાઓની ભૌતિક સુવિધાઓની કાયાપલટ થઈ છે. વર્લ્ડ બેન્કની સહાયથી મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત અંદાજે ૧૫,૦૦૦ પ્રાથમિક અને ૫,૦૦૦ જેટલી માધ્યમિક શાળાઓમાં ૫૦,૦૦૦ ખૂટતા ઓરડાઓ, એક લાખ જેટલા સ્માર્ટ ક્લાસરૂમ તેમજ ૨૫,૦૦૦ જેટલી કોમ્પ્યુટર લેબ-સ્ટેમ લેબ જેવી સુવિધાઓ ટૂંક સમયમાં જ કાર્યાન્વિત થશે.

આ પણ વાંચોઃગુજરાતના શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 8.52 લાખ મકાનો બન્યાં

Back to top button