અમદાવાદગુજરાત

ગાંધીનગરમાં ઠેર ઠેર ભૂવા પડતા મેયરે અધિકારીઓને સાથે રાખી નિરીક્ષણ કર્યું

Text To Speech

ગાંધીનગર, 02 જુલાઈ 2024, સામાન્ય વરસાદમાં જ ભૂવા નગરીમાં ફેરવાઈ ગયું છે. ત્યારે નર્કાગાર સ્થિતિ જોઈને મેયર મીરાબેન પટેલે આજે સેકટર 26 કિસાન નગરની મુલાકાત લઈ સીટી ઈજનેર સહીતના અધિકારીઓન ઊધડો લઈ તાત્કાલિક સ્થિતિ સુધારવા માટેની કડક સૂચના આપવામાં આવી છે.સામાન્ય વરસાદમાં જ સેકટરોનાં બાહ્ય તેમજ આંતરિક માર્ગોમાં ખોદવામાં આવેલા ખાડાઓમાં યોગ્ય પુરાણના અભાવે ભૂવાનગરીનું નિર્માણ થયું છે.રવિવારે અને સોમવારે મેયરે જાતે શહેરની વિઝિટ કરવામાં આવતાં ઠેર ઠેર ભૂવાની સાથે રોડ રસ્તા તૂટી જવા ઉપરાંત પાણી ભરાઈ જવાની સમસ્યા ઉડીને આંખે વળગી હતી.

મેયર સેકટર 26 કિસાન નગરમાં પહોંચી ગયા
રાજયના પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની હરિફાઈમાં રોડ રસ્તા, ગટર અને પાણીની પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવવાની કામગીરીની પોલ સામાન્ય વરસાદમાં જ બહાર આવી ગઈ છે. ગાંધીનગરમાં ઠેર ઠેર ભૂવા પડવાની સાથોસાથ રોડ રસ્તા અને ગટર ઊભરાવાં સહિતની 500થી વધુ ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનને મળતાં મેયર મીરાબેન પટેલે ગાંધીનગરનાં અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવાનું શરૂ કર્યું છે.જેનાં ભાગરૂપે આજે પણ મેયર સેકટર 26 કિસાન નગરમાં પહોંચી ગયા હતા. મેયર આજે પણ રાઉંડમાં નીકળ્યા હોવાનું જાણીને સીટી ઈજનેર સહીતના અધિકારીઓનો કાફલો દોડતો થઈ ગયો હતો.

સ્થળ પર જઈને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે
મેયરે સ્થળ પર જ સીટી ઈજનેર સહિતના અધિકારીઓનો ઉધડો લઈ ગાંધીનગરમાં કરવામાં આવેલી અણઘડ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જો કે ગત વર્ષની માફક આ ચોમાસા દરમ્યાન પણ અધિકારીઓએ વણસેલી સ્થિતિ તાકીદે સુધારવાની હૈયાધારણા મેયરને આપવામાં આવી હતી. ત્યારે મેયરે સ્થળ ઉપર ઉભા રહીને અસરગ્રસ્ત વિસ્તારમાં મરામતની કામગીરી શરૂ કરાવી ગાંધીનગરમાં ઠેર ઠેર પડેલા ભૂવા તેમજ રોડ રસ્તાનું તાત્કાલિક અસરથી સમારકામ કરવાની અધિકારીઓને સૂચના આપી હતી.આ અંગે મેયરે કહ્યું કે, ગાંધીનગરમાં વરસાદી મૌસમમાં પડેલા ખાડા અને રોડ રસ્તા તૂટી જવાની ફરિયાદી મળતા સ્થળ પર જઈને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમજ નગરજનોને તકલીફ પડે નહીં માટે અધિકારીઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃઅમદાવાદના આ વિસ્તારમાં બનાવેલો વ્હાઇટ ટોપિંગ રોડ વરસાદમાં આફત બની ગયો

Back to top button