વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ્યા-તરસ્યા લોકો ધારાસભ્ય અને કોર્પોરેટર પર વિફર્યા
વડોદરા, 30 ઓગસ્ટ 2024, છેલ્લા ત્રણેક દિવસથી વડોદરામાં પુરની સ્થિતિ સર્જાઈ છે.શહેરમાં ભયાનક પૂર વચ્ચે 3 દિવસ ભૂખ્યા અને તરસ્યા લોકોમાં સરકાર અને તંત્ર સામે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને તંત્ર કે સરકાર તરફથી કોઈ મદદ મળી નહોતી અને ત્રણ દિવસ સુધી પોતાનાં ઘરોમાં પુરાઈ રહેવાનો વારે આવ્યો હતો. આ દરમિયાન લોકો પાણીના એક એક ટીપા માટે તરસ્યા હતા. હવે જ્યારે વડોદરા શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો અને મેયર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે, ત્યારે તેમને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.
View this post on Instagram
લોકોનો રોષ જોઈ કોર્પોરેટર ભાગ્યા
વડોદરાના સલાટવાડા વિસ્તારમાં તુલસીબાઈની ચાલમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદિશ શાહ પર લોકોએ રોષ ઠાલવ્યો હતો અને ‘બહાર કાઢો બહાર કાઢો’ ના નારા લાગ્યા હતા. અહીં માણસ ડૂબી જાય એટલું પાણી હતું. પીવાનું પાણી પણ મળ્યું નથી. પીવાનું પાણી તો આપો. લોકોનો રોષ જોઈને કોર્પોરેટર બંદિશ શાહે તુલસીભાઈની વાડીમાંથી ચાલતી પકડી હતી. લોકો ઉગ્ર રજૂઆત કરવા માટે તેમની પાછળ પાછળ જતા જોવા મળ્યા હતા. લોકોએ હમારી માગે પૂરી કરવાના નારા પણ લગાવ્યા હતા.
લોકોએ ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા
ગઈકાલે ભાજપના જ ધારાસભ્ય મનિષા વકીલ અને બાળુ શુકલને અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચતા લોકોએ તેમનો વિરોધ કરી ભગાવ્યા હતા. ત્રણ- ત્રણ દિવસથી લોકો ભૂખ્યા-તરસ્યા ટળવળી રહ્યા હતા ત્યારે કોઈ નેતા ડોકાયા નહોતા. આથી લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. વડોદરા શહેરમાં પૂરનાં પાણી ઓસરતાં હવે મંત્રી, ધારાસભ્યો, મેયર અને કોર્પોરેટરો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જતાં લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.લોકોએ ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા.
લોકોએ મેયરને સવાલ કરતાં મેયરે પણ ચાલતી પકડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ અને વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ સમા સાવલી રોડના અજિતા નગરમાં પહોંચતાં રહીશોએ નુકસાનની ભરપાઇ કરવા સરકાર તૈયાર છે કે, કેમ? એવા સવાલ કર્યા હતા. મેયર પિન્કીબેન સોની દૂધની થેલીઓ વહેંચવા જતાં રહીશોએ સવાલો કરતાં તેઓ સ્થળ છોડી જતાં રહ્યાં હતાં.વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળતાં કોર્પોરેટરો તેમના વિસ્તારમાં જાય તો તેમને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. હવે કાઉન્સિલરો તેમના મત વિસ્તારમાં આવે તેની લોકો રાહ જોઇને બેઠા છે.
આ પણ વાંચોઃગુજરાતમાં ચાર દિવસમાં સૌથી વધારે 40 ઈંચ વરસાદ આ વિસ્તારમાં પડ્યો