દ્વારકામાં અઢી વર્ષની બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ માટે હવે સૈન્ય પહોંચ્યું
દેવભૂમિ દ્વારકા, 1 જાન્યુઆરી 2024, ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમતાં રમતાં 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની કામગીરી દરમિયાન જાણવા મળ્યું હતું કે, હાલ બાળકી 25થી 35 ફૂટ ઊંડે ફસાયેલી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બચાવ ટીમે ઓક્સિજન આપવાની સાથે બચાવ કામગીરી હાથ ધરી છે. બાળકીના બચાવ કાર્ય માટે ડિફેન્સ, NDRF, SDRFની ટીમ પાસેથી મદદ માગવામાં આવી હતી. ત્યારે હવે સૈન્યની મદદ પણ લેવામાં આવી છે. સૈન્યના જવાનો પણ બાળકીને બચાવવા માટે પહોંચી ગયાં છે.
બાળકી ફળિયામાં રમતા રમતા બોરવેલમાં પડી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં એંજલ શાખરા નામની બાળકી ફળિયામાં રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી.અચનાક બાળકી બોરવેલમાં પડતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી. સ્થાનિક તંત્રએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ બાળકીનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. 108 એમ્બ્યુલન્સએ બોરવેલ અંદર ઓક્સિજન મોકલવાની કામગીરી હાથ ધરી હતી. બચાવ કાર્યમાં સફળતા ન મળતા ડિફેન્સ, NDRF, SDRFની ટીમ પાસે મદદ માગવામાં આવી હતી. પરંતુ બાળકીને બચાવવા માટે હવે સેન્યની પણ મદદ માંગવામાં આવતાં સૈન્યની એક ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બાળકીને બચાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.
#WATCH | Gujarat: Indian Army personnel join the rescue operation that is underway to rescue a 2.5-year-old girl who fell into a borewell in Ran village of Kalyanpur tehsil of Dwarka district. pic.twitter.com/MGfBWllIby
— ANI (@ANI) January 1, 2024
હાલ 25થી 35 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન
બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્તા હાલ 25થી 35 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન છે. બાળકીને બચાવવા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા બોરવેલ અંદર ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. કલેક્ટર, મામલતદાર, TDO સહિતના તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. જાણકારી મુજબ સાંસદ પૂનમ માડમ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળ પર પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે.