ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં 14 વર્ષ અગાઉ મંદિરમાંથી ચોરી થયેલ મુદ્દામાલ પોલીસે પરત કર્યો

Text To Speech
  • લુણપુરના નકળંગ મંદિરમાંથી પિત્તળના ઘોડાઓની ચોરી થઈ હતી
  • ડીસા કોર્ટના આદેશથી ટ્રસ્ટીઓને મુદ્દા માલ પરત સોંપાયો

પાલનપુર, 28 ઓગસ્ટ 2024, ડીસા તાલુકાના લુણપુર ગામે આવેલા નકળંગ ભગવાનના મંદિરમાંથી 14 વર્ષ અગાઉ થયેલ ચોરીનો મુદ્દામાલ ડીસા કોર્ટના આદેશથી તાલુકા પોલીસે ટ્રસ્ટીઓને બોલાવી પરત કર્યો હતો.

ડીસા કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓને સજા થઈ હતી
ડીસા તાલુકાના લુણપુર ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી નકળંગ ભગવાનના મંદિરેથી વર્ષ 2010માં કોઈ તસ્કરો તાળા તોડી મંદિરમાં પડેલા પિત્તળના ઘોડાઓ નંગ 104 ચોરી કરી લઈ ગયા હતા. જે વખતે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આરોપીઓ પાસેથી મુદ્દા માલ કબજે કર્યો હતો.જે બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા ડીસા કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓને સજા થઈ હતી.

પોલીસ મથકે બોલાવી તમામ મુદ્દા માલ સુપ્રત કર્યો
ત્યારબાદ કોર્ટે મંદિરમાંથી ચોરાયેલ મુદ્દામાલ પિત્તળના ઘોડાઓ નંગ 104 પરત કરવાનો આદેશ કરતા ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.વી.દેસાઈ તેમજ સ્ટાફના એએસઆઈ ચંદ્રપ્રકાશ, જશવંતસિંહ, હેડ કોન્સ્ટેબલ ભુરાભાઈ અને હર્ષદભાઈની ટીમે આ અંગેની કાર્યવાહી કરી આજે લુણપુર ગામના નકળંગ ભગવાનના ટ્રસ્ટીઓને ડીસા તાલુકા પોલીસ મથકે બોલાવી તમામ મુદ્દા માલ સુપ્રત કર્યો હતો.

આ પણ વાંચોઃબનાસકાંઠા: ડીસામાં મંદિરમાં ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપ્યો

Back to top button