ધાનેરામાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો, ડીસામાં દલિત આગેવાનોએ ટાયર સળગાવ્યા
પાલનપુર, 21 ઓગસ્ટ 2024, સુપ્રીમ કોર્ટના ચૂકાદાની વિરુધ્ધમાં આજે અપાયેલા ભારત બંધના એલાનને ડીસામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. જિલ્લાના ધાનેરામાં ભારત બંધના એલાનને પગલે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો.દલિત અને આદિવાસી સમાજના કાર્યકરોએ ડીસાના દિપક હોટલ સર્કલ પર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શહેરમાં બજાર બંધ કરાવા માટે નિકળ્યા હતા. જ્યાં પોલીસનો અગાઉથી જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાઇવે સર્કલ પર વાહનના ટાયર સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. વિરોધ કરી રહેલા આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
ચૂકાદાને પરત ખેંચવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યુ
તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસ.સી. એસ.ટી. અનામતના વર્ગીકરણને લઈ આપવામાં આવેલા ચૂકાદા મુદ્દે સમગ્ર દેશમાં દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારના સમયે ડીસામાં અનુસુચિત જાતિના કાર્યકરો ભારત બંધના એલાનમાં જોડાવવા માટે જતા હતા તે દરમ્યાન ડીસાના હાઇવે પર આવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી જ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નજર કેદ કરીને છોડી મૂકવામાં આવ્યા હતા. અનુસુચિત જાતિના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતના વર્ગીકરણને લઈ આપવામાં આવેલા ચૂકાદાને તાત્કાલિક અસરથી પરત ખેંચવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું.
વિરોધ કરી રહેલા આગેવાનોની પોલીસે અટકાયત કરી
અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના કાર્યકરો દ્વારા હાઇવે સર્કલ ઉપર વાહનના ટાયર સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે બહુજન સમાજ પાર્ટી દ્વારા ભારત બંધને સમર્થન આપી નાયબ કલેકટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સૂત્રોચ્ચાર સાથે દલિત અને પછાત જાતિના લોકો સાથે હંમેશા અન્યાય થતો હોવાનું જણાવી સમાજના લોકોએ કહ્યું કે, કોર્ટ દ્વારા અનામત મુદ્દે આપેલો ચૂકાદો ન્યાય પૂર્ણ નથી. જેથી આ અંગે ફેર વિચાર કરી અનામતનો અગાઉનો ચુકાદો માન્ય રાખવો જોઈએ. સુપ્રીમ કોર્ટના આરક્ષણ મુદ્દે આપેલા જજમેન્ટ સામે સવાલો ઉઠાવી આગેવાનોએ આગામી દિવસોમાં જો નિર્ણય લેવામાં નહિ આવે તો બાબાસાહેબના માર્ગે આગળ વધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ઇકબાલગઢ-વીરમપુર સજજડ બંધ
બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં બંધની અસર જોવા મળી હતી. જેમાં અમીરગઢ તાલુકામાં એની અસર વર્તાઈ હતી. અનામત બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા 21મી ઓગસ્ટના ભારત બંધનું એલાન કરાયું હતું. એલાનના પગલે રાજસ્થાન રાજ્યને એડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વેપારી મથક એવા ઇકબાલગઢ અને આદિવાસી વિસ્તાર ધરાવતા વીરમપુર વિસ્તારના તમામ બજારો બંધ રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ઇકબાલગઢ અને વિરમપુરના બજારો શાંતિ પૂર્વક બંધ રાખવામાં આવતા બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃગુજરાતમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ, સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકી, ઇકબાલગઢ અને વીરમપુર સજજડ બંધ