બનાસકાંઠાના ધાનેરા-પાંથાવાડામાં ભારે વરસાદથી માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમાં જિલ્લાના ધાનેરા અને પાંથાવાડા તાલુકા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. પરિણામે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
માર્ગ ઉપર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી
બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ ચૂક્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી વધુ જિલ્લા મથક પાલનપુરમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ થઈ ચૂક્યો છે. તે સિવાય પણ અનેક તાલુકાઓમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે ગુરૂવારે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને પાંથાવાડા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ખાસ કરીને ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. તો આ તરફ ધાનેરાના ખીમત, બાપલા વક્તાપુરા પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતા તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદના પાણીના કારણે વાહન ચાલકો પણ રસ્તા પર પસાર થતા ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. જોકે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.