દિલ્હીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો, દોઢ વર્ષની બાળકીને ફાડી ખાધી


- દિલ્હીમાં રખડતા કૂતરાઓએ માસૂમ બાળકીનો જીવ લીધો
- રખડતા કૂતરાઓના ત્રાસથી સ્થાનિકોમાં ભારે રોષ
દિલ્હી, 25 ફેબ્રુઆરી: દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અહીં રખડતા કૂતરા રસ્તા પર ચાલતા લોકો પર અચાનક હુમલો કરી ઘાયલ કરી રહ્યા છે. ઘણી વખત આ હુમલામાં પીડિતો પોતાનો જીવ પણ ગુમાવે છે. આવું જ કંઈક શનિવારે રાત્રે દિલ્હીના તુગલક રોડ વિસ્તારમાં બન્યું. અહીં ત્રણ-ચાર રખડતા કૂતરાઓએ દોઢ વર્ષની માસૂમ બાળકી પર ખરાબ રીતે હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું છે.
શનિવારે રાત્રે બની ઘટના
મળતી માહિતી મુજબ, તુઘલક રોડ વિસ્તારમાં શનિવારે રાત્રે કેટલાક કૂતરાઓએ દિવ્યાંશી નામની દોઢ વર્ષની બાળકીને ફાડી ખાધી છે. પરિવારે બાળકીને કૂતરાના હુમલામાંથી બચાવી ત્યાં સુધીમાં તે ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી. આ પછી માસૂમને સફદરગંજની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.
ડીજેના અવાજમાં બાળકીની બુમો ન સંભળાઈ
મળતી માહિતી મુજબ મૃતક દોઢ વર્ષની બાળકી દિવંશી તેના પરિવાર સાથે તુગલક લેનના ચમન ઘાટ વિસ્તારમાં રહેતી હતી. તેના પિતા રાહુલ કાપડ પ્રેસનું કામ કરે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે પીડિતાના ઘરની બહાર રાત્રે કૂતરા ફરતા હતા. બાળકી જમીને ઘરની બહાર આવી હતી ત્યારે અચાનક તેના પર કૂતરાઓએ હુમલો કર્યો હતો. નજીકમાં એક ડીજે વાગી રહ્યું હતું, જેના અવાજના કારણે છોકરીની બુમો કોઈને સંભળાઈ નહીં. ઘણી શોધખોળ બાદ બાળકી ઘરથી થોડે દૂર લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ત્રણ કૂતરાએ તેના પર ખરાબ રીતે હુમલો કર્યો હતો.
રખડતા કૂતરાઓના ત્રાસથી સ્થાનિકોમાં ભારે રોષ
આ ઘટના બાદ પરિવાર સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલા આ રખડતા કૂતરાઓને ખવડાવવા આવે છે. આ કારણે પણ ત્યાં રખડતા કૂતરાઓનું ટોળું ભેગું થાય છે. આ અંગે રહેવાસીઓએ વાંધો પણ ઉઠાવ્યો હતો, પરંતુ કોઈએ તેની દરકાર ન કરી અને તેની કિંમત એક નિર્દોષ બાળકીના જીવથી ચૂકવવી પડી.
આ પણ વાંચો: લોકોનું ટોળું દીપડાને રમકડું સમજી તેની સાથે રમવા લાગ્યું, જૂઓ વીડિયો