ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં ધારાસભ્યોના બખ્ખાં, વેતન પેટે દર મહિને 54 હજારની જગ્યાએ 90 હજાર મળશે

Text To Speech

દિલ્હીના ધારાસભ્યોને થોડાં દિવસ બાદ બખ્ખાં પડી જશે, કેમકે તેમનો પગાર લગભગ ડબલ થઈ જવાનો છે. કેન્દ્ર સરકારે ધારાસભ્યોની સેલેરીમાં વધારાને મંજૂરી આપી છે. હાલ દિલ્હીના તમામ ધારાસભ્યોને તમામ ભથ્થાં ઉમેરવામાં આવ્યા બાદ 54 હજાર રૂપિયા પ્રતિ મહિને મળે છે, જ્યારે કેન્દ્રની મંજૂરી બાદ ધારાસભ્યોને દર મહિને લગભગ 90 હજાર રૂપિયા મળશે.

ધારાસભ્યોની બેઝિક સેલેરી હાલ 12,000 રૂપિયા છે, જે હવે વધીને 20 હજાર રૂપિયા થઈ જશે. જ્યારે ભથ્થાંને ગણીને સેલેરી 54 હજારથી વધીને 90 હજાર રૂપિયા થઈ જશે. આ પહેલા દિલ્હી સરકારે 2015માં આ પ્રસ્તાવ કેન્દ્રને મોકલ્યો હતો, પરંતુ ત્યારે મંજૂરી મળી ન હતી. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે કેન્દ્ર તરફથી જે પ્રસ્તાવ આવ્યો છે તેમાં ઘણાં ફેરફાર થયા છે.

વિધાનસભા અધ્યક્ષને અસંતોષ
વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે જણાવ્યું કે ગત વખતે ધારાસભ્યોની સેલેરી 2011માં વધારવામાં આવી હતી, પરંતુ 11 વર્ષ પછી આટલી ઓછી રકમ વધી છે જે યોગ્ય નથી. તેમને કહ્યું કે દિલ્હીમાં ધારાસભ્યોને અન્ય રાજ્યોના ધારાસભ્યો જેટલી જ સેલેરી અને ભથ્થાં મળવા જોઈએ. કેન્દ્રની મંજૂરી પછી હવે દિલ્હી વિધાનસભામાં આગામી સત્રમાં ધારાસભ્યોની સેલેરી વધારાનું બિલ લાવવામાં આવશે.

2015માં દિલ્હી સરકારનો પ્રસ્તાવ કેન્દ્રએ ફગાવ્યો હતો
આ પહેલા વર્ષ 2015માં દિલ્હી સરકારે ધારાસભ્યોનું વેતન વધારવા માટેનો કાયદો દિલ્હી વિધાનસભામાં પાસ કરીને કેન્દ્રને મોકલ્યો હતો, જેનો કેન્દ્ર સરકારે અસ્વીકાર કર્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે ધારાસભ્યોના વેતન અને ભથ્થાંના મામલે કેટલીક ભલામણ કરી હતી. જે બાદ હવે તે આધારે જ દિલ્હી કેબિનેટે ઓગસ્ટ 2021માં આ મુદ્દે મહોર મારી હતી અને પ્રસ્તાવ ફરી કેન્દ્રને મોકલ્યો હતો. ત્યારે હવે કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવને મંજૂરી માગી છે.

10 અલગ અલગ રાજ્યોમાં ધારાસભ્યોના શું છે પગાર?
તેલંગાના- 2,50,000
ઉત્તરાખંડ- 1.98 લાખ
હિમાચલ પ્રદેશ- 1.90 લાખ
હરિયાણા- 1.55 લાખ
બિહાર- 1.30 લાખ
રાજસ્થાન- 1,42,500
આંધ્રપ્રદેશ- 1,25,000
ગુજરાત- 1,05,000
ઉત્તરપ્રદેશ- 95,000
દિલ્હી- 90,000

Back to top button