ગુજરાત

ડીસાના ખેંટવા ગામે વરસાદની સાથે માછલી પણ વરસી, લોકોમાં આશ્ચર્ય

Text To Speech

હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. સોમવારે ધનસુરામાં સૌથી વધુ પોણા 3, વડગામમાં સવા 2 ઇંચ, વિજયનગર, મોડાસા, સિદ્ધપુરમાં 2 અને તલોદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.  આ દરમિયાન ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ જીવાભાઈ દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટાં ભેગી નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતાં અચરજ ફેલાયું હતું. અહીં આસપાસ નદી તળાવ નથી એવામાં માછલીઓ જોવા મળતાં લોકો ઊમટી પડ્યા હતા.

જિલ્લાનો સૌથી વધુ વરસાદ વડગામ તાલુકામાં 55 મિમી નોંધાયો હતો. વીજળીના કડાકાભડાકા સાથે પડેલા વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયાં હતાં. વાહનચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદથી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. વડગામ પંથકમાં બાજરીનું વાવેતર વધુ પ્રમાણમાં થયું હોય અને અત્યારે તેની કાપણી થઈ રહી હોય વરસાદના કારણે પાક પલળી જતાં ખેડૂતોને નુકસાન થયું છે.શિહોરીને બાદ કરતા આકોલી, ખસા સહિતના વિસ્તારોમાં વરસાદનું ભારે ઝાપટું પડ્યું હતું. જેમાં બાજરી અને ઘાસ ભીંજાઈ જવાથી નુકસાન પણ થયું છે. ખેતરોમાં પાણી ભરાયા હતા.

Back to top button