વલસાડઃ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીમાં આવેલી સન પ્લાન્ટ કંપનીમાં સમાન લઈ જવાની લિફ્ટમાં કામદારનું માથું બહાર રહી જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતા દાદરા નગર હવેલીના પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
વલસાડ જિલ્લાને અડીના આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સન પ્લાન્ટ કંપની આવેલી છે. તેમાં સામાન લઈ જવા માટે બનાવેલી લિફ્ટમાં સાગર શર્મા નામના 27 વર્ષીય યુવકની ગરદન લિફ્ટની બહાર રહી જતા કમકમાટી ભરી દુર્ઘટનામાં કામદારનું મોત નીપજ્યું હતું. તેની ગરદન ફસાઈ ગઈ હતી તે દરમ્યાન લિફ્ટ ચાલુ થઈ જતા સાગરની ગરદન અને ધડ અલગ થઈ ગયા હતા. ઘટનાની જાણ કંપનીના કામદારો અને સંચાલકને થતા તેમને ઘટના અંગે નજીકના પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી.
દાદરા નગર હવેલીના પોલીસ અધિકારીઓ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. દાદરા નગર હવેલીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. દાદરા નગર હવેલી પોલીસ અધિકારી એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને મસાત આઉટપોસ્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કંપની મેનેજમેન્ટ દ્વારા સામાન લાવવા માટે પરવાનગી લેવામાં આવી હતી કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.