ચોરી-સાઇબર ક્રાઇમ સિવાયના ગુના કન્ટ્રોલમાંઃ ક્રાઇમ કોન્ફરન્સમાં બોલ્યા અમદાવાદના CP
- પોલીસ કમિશનર જી.એસ મલિકની પહેલી ક્રાઈમ ક્રોન્ફરન્સ
- શહેરનાં તમામ PI, અને DCP અધિકારીઓ હાજર
- પોલીસને સંવેદનશીલ રહવા સૂચના અપાઈ
આજે શહેરમાં ટાગોર હોલ ખાતે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં વધી રહેલો ગુનાખોરીનો આંક કાબુમાં લેવા માટે તેમણે પોલીસને આદેશ કર્યો હતો. શહેરના તમામ PI, ACP અને DCPની હાજરીમાં પોલીસની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલીવાર કમિશનર જી.એસ મલિક દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોરી અને સાયબર ક્રાઈમની ઘટના વધીઃ પોલીસ કમિશનર
ક્રાઈમ ક્રોન્ફરન્સ દરમિયાન પોલીસ કમિશનર જી.એસ મલિકએ કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ક્રાઈમ કાબૂ હેઠળ છે. ચોરીની ઘટનામાં વધારો થયો છે. ઈ-એફઆઈઆર સિસ્ટમ શરૂ કરાતા રજિસ્ટ્રેશન વધ્યું છે. સાથે જ સાયબર ક્રાઈમમાં પણ થોડો વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઈમમાં -6 પોલીસ ઇન્સપેક્ટરની નિમણૂંક પણ કરવામાં આવી છે. એકંદરે કહી શકાય કે ગુના કાબૂ હેઠળ છે. પોલીસ સંવેદનશીલ રહે તે સૂચના આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, આઠ મહિનામાં અમદાવાદમાં ખૂનના 77 ગુનાઓ થયાં છે અને તેને ડિટેક્ટ કરી લેવાયા છે.
ક્રાઈમ કોન્ફરન્સમાં અમદાવાદ પોલીસની કામગીરીના વખાણ થયા
તેમણે કહ્યું હતું કે, રાજ્યના પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં અમદાવાદ પોલીસની કામગીરીના વખાણ થયા હતા. ખાસ કરીને હથિયારોના ગુનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં સામેલ પોલીસકર્મીઓની પ્રશંસા કરાઈ હતી. પોલીસ કમિશનર જી.એસ મલિકે પોલીસ કર્મીના તોડકાંડ પર કહ્યું કે, સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘટના દુઃખદ હતી. આ મામલે પોલીસે સહેજ પણ રહેમ દેખાડ્યા વગર કડક કાર્યવાહી કરી છે. પોલીસે તાત્કાલિક FIR નોંધીને આરોપીઓને શોધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દારૂ, જુગાર, નાર્કોટિક્સ વગેરે જેવી ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસ પોતાની શક્તિથી કાર્યવાહી કરે અને આવી પ્રવૃતિઓને નાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ‘અભિમાની ગઠબંધન’ સનાતનને ખતમ કરવા માગે છેઃ MPમાં PM મોદીનું સંબોધન