ચૂંટણી પહેલાં રાજ્યના અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં લાગુ થયો અશાંત ધારો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે તે વચ્ચે સૌથી મહત્વનો નિર્ણય આવી રહ્યા છે. રાજ્યમાં અત્યંત સંવેદનશીલ ગણાતા આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરી દેવાયો છે. ચૂંટણી પહેલાં રાજ્યના બે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી દેવાયો છે.
કેટલા સમયથી હતી માંગ
છેલ્લા ઘણાં સમયથી હિન્દુ સંગઠનોએ બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારે આ બંને વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગણીને રાજ્યપાલે અંતિમ મહોર મારી દીધી છે. જે સાથે જ હવેથી બોરસદ અને પેટલાદમાં મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થઇ શકે.
થોડાં મહિના અગાઉ પણ આણંદ જિલ્લાના પેટલાદ શહેરના આંજણાવાડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી અહીં કાયમી પોલીસ ચોકી ઊભી કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે આંજણા સમાજના લોકો દ્વારા પેટલાદ ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
તેમજ દોઢ સો વર્ષથી આ વિસ્તારમાં આંજણા પટેલ અને ચૌધરી સમાજના પરિવારો રહે છે. આ આંજણાવાડ વિસ્તારમાં 1970-71થી કોમી હુલ્લડો થતા આવ્યા છે. ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો આવનારી પેઢીને ન કરવો પડે તે હેતુને ધ્યાને રાખતા થોડાક મહિના અગાઉ પેટલાદના આંજણાવાડ વિસ્તારમાં પણ અશાંતધારો લાગુ કરવાની રજૂઆત કરાઇ હતી.
આ પણ વાંચો : રાજકોટઃ ગોંડલ રોડ પર આવેલા બાઈકના શો રૂમમાં ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાક
અગાઉ ક્યા વિસ્તારોમાં હતો આ નિયમ ?
અગાઉ આણંદ શહેરના નાની ખોડિયાર, ગાંગદેવ નગર, મોટી ખોડિયાર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધા સ્વામી સ્તસંગ, IRIS હોસ્પિટલ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ નગરપાલિકા, ગામડીવાડ, કિશોર પ્લાઝા, અમૂલ ડેરી રોડ, ચરોતર બેન્ક, લક્ષ્મી સિનેમા, મેફેર રોડ, જૂના રોજ પાસે નરીમાન કોમ્પલેક્સ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો હતો.
અશાંત ધારો શું છે?
જ્યારે તમારે મકાન કે કોઇ દુકાન વેચવી હોય તો તેની પર એક ચોક્કસ નિયંત્રણ લાગે છે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.
આ પણ વાંચો : રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ભાજપ માટે ચિંતાજનક સમાચાર, અસંતુષ્ટ કાર્યકરોએ ટિફિન બેઠક કરી