ભાજપમાં બાળક જન્મે એટલે મોદી-મોદી અને મોટો થાય એટલે ટિકિટ માંગે: ભાજપ ધારાસભ્ય
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવામાં ગણતરીના દિવસો બાકી છે. જેમાં આપ, ભાજપ, કોંગ્રેસ પાર્ટી રણનીતિ ઘડવામાં લાગી ગઇ છે. આજે બીજા દિવસે ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યની મોટાભાગની બેઠકો પર ભાજપમાં એક કરતાં વધારે ઉમેદવારો દાવેદારી નોંધાવી રહ્યાં છે. જેમાં જુના જોગીઓ પોતાનો રોષ પણ ઠાલવી રહ્યાં છે.
આ પણ વાંચો: ભાજપમાં બળવાખોરો અંગે સી.આર.પાટીલે આપ્યું જબરદસ્ત નિવેદન
40 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
ઉલ્લેખનીય છે કે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર 40 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જેના કારણે આ બેઠક પરથી ચૂંટાયેલા વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, પાંચેય વિધાનસભામાં માંજલપુર વિધાનસભા શ્રેષ્ઠ છે. અગાઉ 5 પટેલ ધારાસભ્ય હતા, હવે હું એકલો જ પટેલ ઉમેદવાર છું, જે છેલ્લા 7 વખતથી જીતુ છું. તમામ 19 વોર્ડમાંથી પટેલ જ્ઞાતિના ઉમેદવારોએ ટિકિટ માંગી છે. આઅંગે હળવા મૂડમાં તેઓએ જણાવ્યું કે, ભાજપમાં એવું છે કે, બાળક જન્મે એટલે મોદી-મોદી કરે અને મોટો થાય એટલે ટિકિટ માંગે. વડોદરામાં માંજલપુરવિસ્તારને અમે સારામાં સારો બનાવ્યો છે.
આ પણ વાંચો: આ બેઠકો પર 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી
જાણો યોગેશ પટેલની “કુંડલી”:
યોગેશ પટેલ 1990થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. મોટાભાગે તેઓ ભાજપમાં જ રહીને ભાજપના તંત્ર સામે અવાજ ઉઠાવનાર નેતા તરીકે ચર્ચામાં રહ્યાં છે. લાંબા સમય સુધી ભાજપને જ વફાદાર રહેવા છતાં તેમને પાર્ટીમાં જોઈએ તેટલું મહત્વનું સ્થાન ના મળ્યું હોવાનું ચર્ચાય છે. જેની પાછળ તેમનો લડાયક સ્વભાવ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે.