ડીસાના ભીલડીમાં નરાધમે ધોળા દિવસે અસ્થિર મગજની યુવતીને પીંખી નાખી, વીડિયો વાઇરલ
પાલનપુરઃ ડીસાના ભીલડીમાં સોયલા પુલ નજીક ડીસા – રાધનપુર નેશનલ હાઇવે ઉપર ફૂલછોડની આડમાં એક નરાધમે ધોળા દિવસે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો કોઈએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
આ દરમિયાન પોલીસ તપાસમાં વીડિયો એક મહિનો જૂનો હોવાનું ખૂલ્યું હતું. આ ઉપરાંત જે જગ્યાએ દુષ્કર્મ થયું હતું ત્યા આસપાસથી પણ CCTV ફૂટેજ મળી રહ્યા નથી. જેને લઈને પોલીસને આરોપી સુધી પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, ડીસાના ભીલડીમાં સોયલા પુલ નજીક ડીસા – રાધનપુર નેશનલ હાઇવે ઉપર ફૂલછોડની ઓથમાં એક નરાધમ ધોળા દિવસે દુષ્કર્મ ગુજારી રહ્યો છે. નરાધમે શરીરે આછા ગુલાબી કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું છે. 30 સેકન્ડનો આ વિડિયો હાઇવે નજીક આવેલી બિલ્ડીંગમાંથી કોઇ વ્યકિતએ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જો કે, ભોગ બનનારમાં પ્રતિકાર કરવાની શક્તિ જણાતી નથી. આ અંગે તપાસકર્તા ભીલડી પીએસઆઇ આર. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો એક માસ જુનો છે.
ઘટના સ્થળે તપાસ કરી તો ત્યાં ઘાસ ઊગી નીકળ્યું છે. વીડિયો દૂરથી ઉતારાયો હોવાથી દુષ્કૃત્યનો ભોગ બનનારનો ચહેરો સ્પષ્ટ જોઇ શકાતો નથી. આજુબાજુના શોપિંગ સેન્ટરોમાં પણ માત્ર સાત દિવસના જ સીસીટીવી ફૂટેજ હોવાથી તપાસમાં મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, પ્રાથમિક તપાસમાં બંને પુરૂષ હોય તેવી માહિતી મળી છે.
ટૂંક સમયમાં સમગ્ર હકીકત બહાર લાવીશું. આ અંગે વિડિયો ઉતારનાર વ્યકિતના નિવેદનો લઈ પોલીસ મથકે જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરાઇ છે. જોકે ખાસ મહત્વનું એ છે કે, આવી ઘટના બની રહી હોય ત્યારે લોકોએ તુરંત નજીકના પોલીસ સ્ટેશનને અથવા 100 નંબર ઉપર જાણ કરવી જોઈએ.
બંને કેસમાં આરોપીઓને ઝડપી લેવા એસ.પી.ને સુચના આપી છે
ડીસા મંદિરના ઓટલે રહેતી મુક સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી બાળકની માતા બનાવનાર અજાણ્યા શખ્સ તેમજ ભીલડીમાં વાયરલ વીડિયોમાં દુષ્કર્મ ગુજારનારા શખ્સને ઝડપી તપાસ કરી ઝડપી લેવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાને સૂચના આપી છે. – રાજુલબેન દેસાઇ (સદસ્યા, મહિલા આયોગ, ભારત સરકાર)
વીડિયો ઉતારનારાએ પોલીસને જાણ કરી હોત તો આરોપી જેલના સળિયા પાછળ હોત
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ધોળા દિવસે ઘટના બની છે. આજુબાજુથી વાહનો પસાર થાય છે. હાઇવે નજીકથી પસાર થતા લોકોએ પણ કૃત્ય જોયું હશે. પરંતુ તેમણે આંખ આડા કાન કરી પોલીસને જાણ કરી ન હતી. મહત્વની બાબત તો એ છે કે વીડીયો ઉતારનાર વ્યક્તિએ જો તુરંત પોલીસને જાણ કરી હોત તો આરોપી આજે જેલના સળિયા પાછળ હોત.
ગભરાયેલી હોવાથી કશું બોલી ન શકી
વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યાં બનાસકાંઠા 181 અભયમની ટીમને ગુરૂવારે કોલ મળતાં ભીલડી ગઇ હતી. જ્યાંથી એક અસ્થિર મગજની મહિલાને પાલનપુર લાવી હતી. જોકે, તે ગભરાયેલી અને શરીરમાં અશક્ત હોવાથી પોતાનું નિવેદન લખાવી શકી ન હતી. આથી તેણીને પાલનપુર આશ્રય સ્થાને મુકવામાં આવી હતી. આ અંગે પીએસઆઇ આર.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટના એક માસ જૂની છે. જ્યારે આ અસ્થિર મગજની મહિલા એક સપ્તાહથી જ શહેરમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે.