ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં એક શખસે જૂની અદાવતમાં યુવાન પર છરી વડે હુમલો કર્યો


ભાવનગરઃ શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જૂની અદાવતે એક શખ્સે યુવાન પર છરી વડે હુમલો કરી નાસી છુટતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં શ્રમજીવી સોસાયટીમાં મફતનગરમાં રહેતો અને મજૂરી કામ કરતાં શંકર બાબુ વાજા ઉ.વ.37 તેના ઘર પાસે માતાજીના માંડવાનો પ્રસંગ હોય આથી મોડી રાત્રે તેના મિત્ર જીગ્નેશ ઉર્ફે જીગો રાઠોડ સાથે બેસી નાસ્તો કરતો હોય એ દરમ્યાન આજ વિસ્તારમાં રહેતા મુન્નો ઉર્ફે કાળું મકવાણા આવેલો. આ મુન્ના સાથે ફરિયાદી શંકરને અગાઉ માથાકૂટ થયેલી હોવાથી શંકરે મુન્નાને ત્યાંથી જતાં રહેવા જણાવતાં ઉશ્કેરાયેલા મુન્નાએ શંકર પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેમાં શંકરના મિત્ર જીગાએ વચ્ચે પડી વધુ માર મારવાથી બચાવેલ અને આરોપી મુન્નો હુમલો કરી નાસી ગયો હતો.
બીજી તરફ ઘવાયેલ શંકરને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેણે મુન્નો ઉર્ફે કાળું વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે મુન્નાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.