બનાસકાંઠાના લાખણીપંથકમાં વધુ વરસાદથી દાડમના છોડ પરથી ફૂલ ખરી પડ્યા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાનો લાખણી વિસ્તાર દાડમ માટે જાણીતો છે. જ્યાં આ વર્ષે દાડમના પાકમાં વધારે વરસાદ અને વાદળછાયા વાતાવરણને લીધે ઉત્પાદન ઓછું થવાની આશંકાએ પંથકના દાડમના ખેડૂતો ચિંતિત બન્યા છે.
વાદળછાયા વાતાવરણથી છોડમાં ફૂગજન્ય રોગની ભીતિ
બનાસકાંઠા જિલ્લામાં એક સપ્તાહથી વધુ સમયથી ઝરમર વરસાદ ચાલુ છે. અને તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીના લીધે લાખણીપંથકના ખેડૂતો દાડમના પાકને લઇ ચિંતિત બન્યા છે. જિલ્લામાં અંદાજે 6000 હેક્ટરથી પણ વધુ જમીનમાં દાડમનું વાવેતર થાય છે. અત્યારના સમયમાં દાડમની ખેતી ઉપર ખેડૂતોને આર્થિક લાભની આશા રાખી રહ્યા છે. તેમાં પણ લાખણી વિસ્તારના ખેડૂતો જે પાક ધિરાણ અને લોન ઉપર આધાર રાખતા હતા, તે દાડમને લીધે પગભર થયા હતા. પરંતુ આ વખતે દાડમનું કટીંગ કરાવ્યા બાદ ફળ રાખવાની દવાનો છંટકાવ બાદ સતત વરસાદ અને વાદળ છાયા વાતાવરણને લીધે દાડમ ઉપર ફુલના બેસે અને બેસેલા કુલ ખરી પડવાની બીક અને છોડમાં નવા નવા રોગોનાં ઉપદ્રવ અને ઈયળો આવવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. આ ઉપરાંત ડ્રિપ ઇરિગેશનથી થતી આ બાગાયતી ખેતીને વરસાદના લીધે વધુ પાણી મળવાથી છોડનો ગ્રોથ વધે છે. જેનો લીધે નવી કૂંપળો ફૂટવાથી કુલ અને ફળ ઓછા બેસવાની શક્યતા રહે છે. જોકે દાડમની ખેતીમાં આ સમય ગાળો દાડમના ફૂલો બેસવાનો હોવાથી તેમજ અત્યારે સતત વરસાદથી ખેડૂતોના દાડમના રોપા ઉપર બેઠેલા ફૂલો ખરી પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
આ બાબતે મફાભાઈ પટેલે જણાવ્યું હતું કે વધુ પડતા વરસાદ અને વાદળ છાયા વાતાવરણને લીધે દાડમના છોડ માં રોગ થવાની અને ઉત્પાદન ઓછુ થવાની શક્યતા રહેલી છે.