બનાસકાંઠામાં ફરી એક વાર માવઠાની આગાહી, તંત્રએ એલર્ટ જાહેર કર્યું
- માર્કેટ યાર્ડના સતાધીશોને તંત્ર દ્વારા તાકીદ કરાઈ
- 9 થી 11 જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં માવઠાની આગાહી
પાલનપુર, 05 જાન્યુઆરી: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની આગાહી આપવામાં આવી છે. જેના પગલે તંત્ર એલર્ટ બન્યું છે અને માર્કેટ યાર્ડના સત્તાધીશોને તેમજ ખેડૂતોને અને વેપારીઓને અનાજને કોઈ નુકસાન ન થાય તે રીતે અનાજનો જથ્થો સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના આપી છે.
9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી
ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન કમોસમી માવઠું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા ડિઝાસ્ટર વિભાગે પણ તમામ અધિકારીઓને વરસાદની આગાહીને પગલે એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે. જેને પગલે ડીસા માર્કેટયાર્ડ દ્વારા પણ તમામ વેપારીઓ અને ખેડૂતોને આ બે દિવસ દરમિયાન સાવચેત રહેવા માટે તેમજ તેમના માલ સામાન પણ ખુલ્લામાં ન રાખવા અને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વારંવાર કમોસમી માવઠાના કારણે અનેક ખેડૂતોના જાનમાલને નુકસાન થયું હતું ત્યારે આગામી સમયમાં ફરી એકવાર ખેડૂતોને કે વેપારીઓને તેમની સંગ્રહ કરેલા પાકને કમોસમી વરસાદના કારણે કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: થરાદ-ડીસા હાઇવે પર ડમ્પરે કારને અડફેટે લીધી, એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ