ગાંધીનગર, 21 ઓગસ્ટ 2024, ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો સહિત ચાંદીપુરા વાયરસનો મુદ્દો ગુંજ્યો હતો. સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ‘બંધ કરો ભાઈ બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાર કર્યો હતો કે, શાળામાં શિક્ષકો ગેરહાજર રહે છે અને એ બાબતે સરકારની કાર્યવાહી શું છે? કુલ 176 શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા છે. ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો સૌથી વધારે ગેરહાજર છે. તે ઉપરાંત ગુજરાતમાં થયેલી દુર્ઘટનાઓ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં સુત્રોચ્ચાર કર્યા હતાં.
કોંગ્રેસના ધારાસભ્યએ વિદેશમાં વસતા શિક્ષકોનો મુદ્દો ઉઠાવ્યો
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું હતું કે, શાળામાં શિક્ષકોની ઘટની બાબત દર વખતે ભરતી કેમ્પમાં ધ્યાન પર આવતી હોય છે. કુલ 176 શિક્ષકો શાળામાં હાજર નથી. કુલ 134 શિક્ષકો ગેરહાજર છે અને એ તમામ 134 શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. જે 176 શિક્ષકોની વાત કરે છે એ 176 નથી પણ કુલ 134 શિક્ષકો છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર હોય એવા 130 શિક્ષકો પૈકી 10ને બરતરફ કર્યા છે. જ્યારે બાકીના સામે કાર્યવાહી ચાલુ છે. ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો ગેરહાજર નથી.જે ગેરહાજર છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સરકારના મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યોને જવાબ આપ્યો
તે ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં કહ્યું હતું કે, ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો વિદેશ પ્રવાસે છે એ કહેવું ખોટું ગણાશે. આ દરમિયાન અધ્યક્ષે કહ્યું હતું કે,જ્યારે ગૃહમાં સવાલ કરવામાં આવે ત્યારે પૂરતા પુરાવા સાથે સવાલ હોવા જોઈએ માટે આ તમામ સવાલ રેકર્ડ પરથી દૂર કરવામાં આવશે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કહ્યું હતું કે, બે શિક્ષકોને મારા મત વિસ્તારમાં કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સચિવ કક્ષાએથી માહિતી માંગે તો સમયસર માહિતી મળે છે. બે શિક્ષકોને કારણદર્શક નોટિસ આપી છે, શિક્ષકોની ભરતી નથી થતી, શિક્ષકો હાજર રહેતા નથી.
આમ આદમી પાર્ટીએ ચાંદીપુરા વાયરસનો મુદ્દો ઉઠાવ્યો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કરતાં કહ્યું હતું કે,31-7-24ની સ્થિતિએ ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસથી કેટલા બાળકોના મોત થયા છે, વાઈરસ અટકાવવા શું પગલા લીધા? તેના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કુલ 164 કેસ છે, ચાંદીપુરા વાઈરસને કારણે 28 મોત છે, ઍન્સિફિલાઇટિસ વાઈરલ સિન્ડ્રોમથી 73 મોત છે. આમ કુલ 101 મોત છે. 164માંથી 101ને બાદ કરતા 63 બાળકોને બચાવી શકયા છીએ. જેમાંથી 59 બાળકોને સારવાર આપી ઘરે મોકલી શક્યા છે જ્યારે 4 હજુ સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં શાળામાં સતત ગેરહાજર રહેનારા વધુ 9 શિક્ષકોને બરતરફ કરાયા