અકસ્માત રોકવાનો પ્રયાસ, રખડતા ઢોરોના શીંગડા પર રિફલેક્ટર લગાવાયા
રાજ્યભરમાં રખડતા ઢોરોના કારણે માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેના કારણે અનેક નિર્દોષ વાહનચાલકો અકસ્માતના કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે માર્ગ સલામતી હેતુથી હાઇવે પર રખડતા ઢોરોના શીંગડા પર રિફલેકટર લગાવી અકસ્માત નિવારવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.
રખડતા ઢોરોના શીંગડા પર રિફલેકટર લગાવાયા
ડીસા શહેરને જોડતા તમામ હાઇવે પર મોટી સંખ્યામાં રખડતા ઢોરો જેમાં ખાસ કરીને આખલા ત્રાસ મચાવી રહ્યા છે. આ રખડતા ઢોરના કારણે હાઇવે પર અસંખ્ય અકસ્માતનો બનાવવામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી તેમજ ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પીઆઇ એમ. જે. ચૌધરી અને તેમની ટીમ દ્વારા માર્ગ સલામતી માટે હાઇવે પર રખડતા તમામ ઢોરોના શિંગડા પર રેડિયમના પટ્ટા તેમજ રિફ્લેકટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનાથી રાત્રે ઢોર રસ્તા પર બેઠું હશે તો પણ દૂરથી રિફ્લેકટરના કારણે નજરમાં આવી જશે. અને અકસ્માતો નિવારી શકાશે.પોલીસની આ સરાહનીય કામગીરીથી હાઇવે પર થતા અકસ્માતોમાં મહદ અંશે ઘટાડો થશે.