અમેરિકામાં સગા ભાણેજે ગોળી ધરબીને નાના-નાની અને મામાની હત્યા કરી
નવસારીઃ અમેરિકામાં ગુજરાતી યુવાને તેનાં સગા મામા, નાના-નાનીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ન્યૂજર્સી પોલીસે યુવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. આરોપી યુવાનના નાના દિલીપભાઇ બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસમાંથી પીઆઇ તરીકે નિવૃત્ત થયા હતા. તેમના પરિવારમાં પુત્રી રિંકુનાં લગ્ન વિદેશમાં થયાં હતાં અને તેણે પુત્ર ઓમને જન્મ આપ્યો હતો. બાદમાં રિંકુના છૂટાછેડા થતાં તે ભારત પરત આવી ગઈ હતી. રિંકુનો ભાઈ યશ બ્રહ્મભટ્ટ અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયો હતો.
આરોપી દોહિત્રની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી
પ્રાપ્ત માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના બિલીમોરાનો પરિવાર છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો. દિલીપ બ્રહ્મભટ્ટ પહેલા બિલીમોરામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને અત્યારે પરિવાર સાથે અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં પોતાના ઘરે રહેતા હતા, જ્યાં તેમના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં 23 વર્ષીય દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટે દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ અને તેમના પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ સહિત તેમના દીકરા યશ બ્રહ્મભટ્ટની હત્યા કરી દીધી હતી.
આરોપીએ હેન્ડગન ઓનલાઈન મંગાવી હતી
ન્યૂયોર્ક પોલીસને આરોપી ઓમ દ્વારા જણાવાયું હતું કે, તેણે જે હેન્ડગનથી હત્યા કરી છે તે ગન ઓનલાઈન મંગાવી હતી. તેણે બેડરૂમમાં સુઈ ગયેલા નાના નાનીની હત્યા કર્યા બાદ બીજા રૂમમાં સુઈ ગયેલા મામાને પણ ગોળી ધરબી દીધી હતી. ઘરમાં રોજે રોજ થતાં ઝગડાથી આરોપી ઓમ ઉશ્કેરાઈ ગયો હતો. જેથી તેણે નાના- નાની અને મામાને ગોળી મારી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં ન્યૂજર્સી પોલીસ પહોંચી હતી અને ઓમ બ્રહ્મભટ્ટને ઝડપી લઈ ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40થી વધુ ઠેકાણે આવકવેરા વિભાગના દરોડા