અમદાવાદના વેજલપુરમાં સગીરાની છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો, માતાએ પોલીસ ફરિયાદ કરી
અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારની સગીરા સાથે યુવકે છેડતી કરી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે વેજલપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીને ઝડપી લઈ જેલહવાલે કર્યો છે.
વેજલપુર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
વેજલપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધેલા ગુનામાં પકડેલા આરોપીનું નામ અજર આલમ છે. આમ તો તે બિહારનો છે અને શહેરની અલગ અલગ હોટલમાં ફરીને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે, પણ તેની એક ભૂલે તેને જેલના સળિયા ગણતો કરી દીધો છે. આરોપીએ જુહાપુરામાં રહેતી 8 વર્ષીની સગીરાની છેડતી કરતા હવે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
સગીરાને માતાએ પોલીસ ફરિયાદ કરી
મળતી માહિતી પ્રમાણે, જુહાપુરામાં રહેતી 8 વર્ષની સગીરા જ્યારે તેના ઘરેથી સાંજના સમયે તેના ઘરની સામે આવેલા કરીયાણાની દુકાને બિસ્કિટ લેવા જતી હતી. ત્યારે ત્યાં બેઠેલા અજર આલમ નામના આરોપીએ શરીરે હાથ ફેરવીને છેડતી કરી હતી. જેને લઈને સમગ્ર બાબતની જાણ સગીરાએ ઘરે જઈને તેની માતાને કરતા સગીરાની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને આરોપીએ છેડતી કરી ત્યારે નશામાં હતો કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી છે.