અમદાવાદ, 28 માર્ચ 2024, શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યાં છે. જાહેરમાં ફાયરિંગ થવાની ઘટનાઓ હવે વેગ પકડી રહી છે. શહેરના બોપલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે 10 જેટલા શખ્સોએ મેરી ગોલ્ડ રોડને બાનમાં લઈ બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની ગાડીને આંતરી હુમલો કર્યો હતો. સ્વ-બચાવમાં ઉપેન્દ્રસિંહે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ અને નાસભાગનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે નવ લોકો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉપેન્દ્રસિંહે કુલ નવ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
10 શખસો ઉપેન્દ્રસિંહ ચાવડા પર હુમલો કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર સહિત 10 શખસો ઉપેન્દ્રસિંહ ચાવડા પર હુમલો કરવા આવતા સ્વ-બચાવમાં ઉપેન્દ્રસિંહે ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસનો કાફલો દોડી ગયો હતો. ઉપેન્દ્રસિંહે લાઇસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું, જેથી કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. ઉપેન્દ્રસિંહ ચાવડા કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે.ચાર મહિનાથી કામમાં વ્યસ્ત હોવાથી તેઓ દર્શન કરવા જતા નથી. જેથી અવારનવાર વિજયસિંહ અને તેમના નાનાભાઈ રાજેન્દ્રસિંહના ફોન આવતા અને ત્યાં આવવાનું કહેતા હતા. પરંતુ ઉપેન્દ્રસિંહ કહી દેતા હતા કે તમે અમારા ઉપર ખોટા આક્ષેપો કરો છો, જેથી હું તમારે ત્યાં આવવા માગતો નથી.ગઈકાલે રાત્રે ઉપેન્દ્રસિંહ ડાયરામાં બાવળીયારી ખાતે જઈ રહ્યા હતા ત્યારે રાજેન્દ્રસિંહ સોલંકીનો તેમના ઉપર વોટ્સએપ કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે તમે ડાયરામાં આવો છો તો તૈયારીમાં આવજો.
બિલ્ડરે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
મેરી ગોલ્ડ સર્કલથી તેઓ આગળ જઈ રહ્યા હતા ત્યારે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સહિત કેટલાક લોકો રોડ ઉપર ઊભા હતા. તમામ લોકોના હાથમાં લાકડીઓ પાઇપો હતી. એ તમામ ઉપેન્દ્રસિંહની ગાડી તરફ આવ્યા અને હુમલો કરવા જઈ રહ્યા હતા. ત્યારે ઉપેન્દ્રસિંહે બચાવવામાં લાઇસન્સ માટે રિવોલ્વર કાઢી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ સામે પક્ષના લોકોએ લાકડીઓ, ધોકા, પાઇપ અને પથ્થર વડે ઉપેન્દ્રસિંહ ઉપર હુમલો કરવા લાગ્યા હતા. ટોળાએ ઉપેન્દ્રસિંહની ગાડીમાં તોડફોડ કરી હતી. ઉપેન્દ્રસિંહ જેમ તેમ કરીને ત્યાંથી નીકળી ગયા હતા અને સમગ્ર મામલે નવ લોકો સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃપુરુષોત્તમ રૂપાળાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા સી.આર. પાટીલ એક્ટિવ થયા