આજે અમદાવાદ સહિત દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. આજે દેશભરમાં બહેનો પોતાના ભાઈને હાથે રાખડી બાંધીને ભાઈની રક્ષાની પ્રાર્થના કરે છે. ત્યારે આ ખાસ પર્વ પર અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જી હાં અમદાવાદમાં આજે ટ્રાફિક પોલીસ મહિલાઓએ રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી છે. આજે રક્ષાબંધન અવસરે સવારથી જ ટ્રાફિક મહિલા પોલીસે હાથમાં મેમોની બુક નહીં પરંતુ કંકુ, ચોખા, રાખડી અને મીઠાઈ સજાવેલી થાળી રાખી હતી. જેની પાછળનું કારણ હતું કે લોકો તહેવારના દિવસે પોતાના જીવનનું મૂલ્ય સમજે અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે.
ટ્રાફિક મહિલા પોલીસે ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા 100 લોકોને રાખડી બાંધી હતી. આ દરમિયાન નિયમ ભંગ કરનારા લોકોએ પણ ટ્રાફિક પોલીસને ‘ભેટ’ આપી હતી. નવા વાડજના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા સજ્જને ઘરેથી પોતાના બાળકો પાસે હેલ્મેટ મંગાવીને સ્થળ પર જ પહેર્યું હતું.આ સિવાય ઘણા લોકો રાખડી બંધાવ્યા બાદ ટ્રાફિક મહિલા પોલીસને પગે પણ લાગ્યા હતા. મહત્ત્વનું છે કે આજે લગભગ 100માંથી માત્ર એક વ્યક્તિએ સ્થળ પર હેલ્મેટ મંગાવીને ટ્રાફિક પોલીસના અભિયાનને વેગ આપ્યો હતો.
અમદાવાદ શહેરમાં આડેધડ પાર્કિંગ, બેફામ રીતે વાહન હંકારવું, સિગ્નલ તોડીને ઉતાવળ કરવી, શોર્ટ કટ માટે રોંગ સાઈડ પર વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન પહેરવો, હેલ્મેટ ન પેહેરવું, એક વાહન પર ત્રણથી વધારે સવારી કરવી જેવા અનેક ગુનામાં રોજે રોજ અંદાજિત 500 વ્યક્તિનો મેમો બને છે. ટ્રાફિક પોલીસ ચોપડે તો અનેક લોકોનાં ટ્રાફિક નિયમના ભંગ બદલ અકસ્માતે મોત થયાના બનાવ વધ્યા છે. જેમાં સૌથી વધુ ટુ વ્હીલરનાં કેસ જોવા મળે છે. આવામાં ટ્રાફિક પોલીસ રાખી અભિયાન દરમિયાન લોકોને નિયમ અંગે સમજાવીને જાગૃત થવા માટે સમજાવી રહી છે.