- અમદાવામાં જૂન મહિનામાં 10 વર્ષ પહેલા નોંધાયો હતો રેકોર્ડ, ત્યાર બાદ વરસાદ નહીવત.
- અમદાવાદમાં જૂન મહિનામાં ખુબજ ઓછા પ્રમાણમાં વરસાદ પડે છે.
- અમદાવાદમાં 25 જૂન 2015એ પાંચ ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ચોમાસું લંબાતા લોકો અકળાયા છે. વાદળછાયા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી લોકોને બફારો થઈ રહ્યો છે અને આતુરતાથી લોકો વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે. જોકે બિપરજોય વાવાઝોડાના પગલે ચોમાસુ વિલંબમાં મુકાયું હોઈ હજુ તેના માટે રાહ જોવી પડે તેવી ચર્ચા ઊઠી છે. આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતીના આધારે છેલ્લાં 10 વર્ષમાં જૂન મહિનામાં પડેલા વરસાદની વિગત તપાસતા ગત 25 જૂન, 2015એ અમદાવાદમાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
વર્ષ 2011થી 2021 સુધીના જૂન મહિનામાં પડેલા વરસાદની માહિતીને જોતાં વર્ષ 2011માં 4 જૂને સૌથી વધુ અડધો ઈંચ વરસાદ, 2012ની 17 જૂને એક ઇંચ વરસાદ, 2013ની 17 જૂને અઢી ઇંચ વરસાદ, 2014ની 18 જૂને એક મિ.મી. જેટલો સાવ ઝરમરિયો વરસાદ પડ્યો હતો. વર્ષ 2015માં પાંચ ઇંચથી વધુ વરસાદ, 2015ની 23 જૂને અડધો ઇંચ વરસાદ, 2017ની 24 જૂને એક ઇંચથી વધુ વરસાદ, 2018ની 24 જૂને 3.5 મિ.મી. જેટલો સાવ સામાન્ય વરસાદ, 2019ની 19 જૂને બે ઇંચ વરસાદ, 2020ની 14 જૂને ત્રણ ઇંચ વરસાદ અને વર્ષ 2021ની 17 જૂને બે ઇંચથી વધુ વરસાદનો રેકોર્ડ હવામાન વિભાગના ચોપડે નોંધાયો છે.
આ પણ વાંચો: અમેરિકામાં નવી સદી માટે નવી ડીલ ! ભારત-અમેરિકા વચ્ચે 5 મહત્વની ડીલ પર હસ્તાક્ષર
બીજા અર્થમાં જૂન મહિનામાં અમદાવાદમાં ઉલ્લેખનીય એવો વરસાદ પડતો નથી એ બાબત હવામાન વિભાગના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે. જોકે બિપરજોય વાવાઝોડાના કારણે આ વખતે ચોમાસાનું ચક્ર અસ્થિર થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, કેમ કે ગયા વર્ષે ગુજરાતમાં 13 જૂનથી ચોમાસાથી વિધિવત્ શરૂઆત થઈ હતી, જે આ વખતે વાવાઝોડાના કારણે વિલંબમાં મુકાઈ છે. અત્યારની સ્થિતિ મુજબ જૂન મહિનાના અંત સુધીમાં સુરત અને ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. જોકે તે પછી ચોમાસુ કઈ રીતે આગળ વધશે તેના અંગે હજુ કોઈ સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહ્યું નથી. કેટલાક વિસ્તારોમાં આગામી દસ દિવસમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો: વાવાઝોડા બાદ મોટી આફત માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી