અમદાવાદગુજરાત

વિદ્યાર્થીઓ સાવધાન! અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં 349 સ્થળો પર CCTVથી નજર રખાશે

અમદાવાદ, 5 માર્ચ 2024, ગુજરાતમાં આગામી 11મી માર્ચે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર તથા ગ્રામ્ય શિક્ષણ અધિકારીએપરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.શહેરમાં બોર્ડની પરીક્ષાના 349 સ્થળો પર CCTVથી નજર રખાશે

ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમય દરમિયાન બંધ રખાશે
અમદાવાદ જિલ્લા શહેર શિક્ષણ અધિકારી આર.એમ ચૌધરી તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી રૂપાબેન ઝાએ બોર્ડની પરીક્ષાઓ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 11 માર્ચે શરૂ થનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા, આરોગ્ય વિભાગ, ટોરેન્ટ પાવર, પીજીવીસીએલ, પરીક્ષાના કેન્દ્રો, તેમજ ઝોન અને ઝોનલ અધિકારીઓની વિગતો તૈયાર કરી દેવામાં આવી છે. પરીક્ષાના બિલ્ડીંગ, બ્લોક તથા વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને લેવામાં આવી છે. પરીક્ષા સ્થળોની આજુ-બાજુ આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમય દરમિયાન બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.

અધિકારીઓને સ્ક્વોર્ડ તરીકે રહેવા આદેશ કરાયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ફોન, બ્લુટુથ તેમજ કોઈપણ પ્રકારના વિજાણું ઉપકરણ પર પ્રતિબંધ છે. સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર પર તથા વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રો ઉપર વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓને સ્ક્વોર્ડ તરીકે રહેવા આદેશ કરાયો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પરીક્ષા કેન્દ્ર ખાતે ગેરરીતી, માસ કોપી કે સ્ટાફની અન્ય બેદરકારીએ બદલ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરાની સગવડ સીસીટીવી કેમેરાની ફૂટેજ જોવાની ટીમ તૈયાર કરવા તથા ગેરેરીતિ કરનાર પરીક્ષાર્થી તેમજ કર્મચારી ઉપર જરૂરી પગલાં લેવાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

સારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી
રાજ્યના તમામ વિદ્યાર્થીઓને હેલ્પ કરવા માટે કાઉન્સેલિંગ તથા હેલ્પલાઇનની વ્યવસ્થા માટે સારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે લહિયાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થા જેવી કે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સગવડ તથા સેનીટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરીક્ષાના તમામ દિવસો સુધી કંટ્રોલરૂમ કચેરી સવારે 8 થી રાત્રીના 8 વાગ્યા સુધી સતત કાર્યરત રહેશે. ધોરણ 10 તેમજ ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં તમામ 349 સ્થળો પર સીસીટીવી કેમેરાની સગવડ તમામ કેન્દ્ર પર નજર રાખવામાં આવશે. તેમજ પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓના વાલીઓ માટે પણ અલગથી વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં સંદેશખાલી ઘટના મુદ્દે ABVPના દેખાવો, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

Back to top button