

ગુજરાતમાં આત્મહત્યાની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વિવિધ સમસ્યા અને માનસિક ત્રાસના પગલે અનેક લોકો જીવનથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક આત્મહત્યાની કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં પોલીસકર્મીએ પરિવાર સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ આ પોલીસકર્મી કુલદિપસિંહ યાદવ વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. તેમણે પોતાની પત્ની અને 3 વર્ષની બાળકી સાથે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. આ પરિવાર આશરે બેથી ત્રણ વર્ષથી ત્યાં રહેતો હતો. મંગળવારે મોડી રાત્રે પહેલા મહિલા નીચે પડ્યા જેની દસેક સેકન્ડ બાદ બાળકીને સાથે રાખીને પોલીસકર્મીએ પણ ઝંપલાવી દીધું હતું. હાલ સ્થાનિક પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. ત્યાના રહીશો અને પરિવારના સંબંધીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.