ગુરૂગ્રામ, 04 માર્ચ : એક રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાતા જ લોકોના મોંઢામાંથી લોહી નીકળવા માંડ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકોએ બુમાબુમ કરતાં રેસ્ટોરન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાર બાદ પોલીસને બોલાવવામાં આવી હતી. દોડાદોડી વચ્ચે બીમાર થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
જીભ સૂઝી ગઈ હતી અને લોહી નીકળવા માંડ્યું હતું
પોલીસે ઘટના સ્થળે પહોંચીને પીડિતોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે રેસ્ટોરન્ટના સંચાલક સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે, દોષીત લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. પીડિતોએ પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે તેમણે રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાધું ત્યારે અચાનક લોહીની ઉલ્ટીઓ થવા માંડી હતી. જીભ સૂઝી ગઈ હતી અને તેમાંથી પણ લોહી નીકળવા માંડ્યું હતું. ત્યાર બાદ તેમની હાલત વધુ ખરાબ થવા માંડી હતી.
गुरुग्राम के एक बार में माउथ फ्रेशनर खाते ही 5 लोग बीमार,खून की उल्टियां pic.twitter.com/kFanq9m2Ro
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) March 4, 2024
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામને હોસ્પિટલમાં ખસેડ્યા
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે દાખલ થયેલી ફરિયાદમાં જણાવાયું છે કે, અંકિત કુમાર નામનો વ્યક્તિ તેમની પત્ની અને દોસ્તો સાથે પાર્ટી કરવા માટે ગુરૂગ્રામના ખેડકીદૌલા સેક્ટર 90ના લાફારેસ્ટા નામના રેસ્ટોરન્ટમાં ગયા હતાં. તેમણે ત્યાં ભોજન કર્યું હતું અને ત્યાર બાદ રેસ્ટોરન્ટના સ્ટાફે તેમને માઉથ ફ્રેશનર આપ્યું હતું. જેવું તેમણે માઉથ ફ્રેશનર ખાધું કે તરત તેમની જીભમાંથી લોહી નીકળવા માંડ્યું હતું અને ઉલ્ટીઓ થવાની શરૂ થઈ હતી. પીડીતોનો આરોપ છે કે, બીમાર થયેલા પાંચ લોકો દુઃખાવો થતાં બુમાબુમ કરતાં હતાં ત્યારે રેસ્ટોરન્ટનો સંચાલક અને સ્ટાફ કોઈ મદદે આવ્યા નહોતા. ત્યાર બાદ પીડિત અંકિતે ગુરૂગ્રામ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.