ઈરાન વિરુદ્ધ મોટી કાર્યવાહી, સંયુક્ત રાષ્ટ્રએ UNCSWમાંથી બહાર કાઢી મુક્યું
ઈરાનમાં હિજાબ મામલે મહિલાઓનું પ્રદર્શન છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. હિજાબને લઈને શરૂ થયેલા આ વિવાદે હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. મહસા અમીનીના મોત બાદ ત્યાંની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે ઈરાનને મોટો ઝટકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ ગઇ કાલે ઈરાન પર મોટી કાર્યવાહી કરતા ઈરાનને સંયુક્ત રાષ્ટ્ર મહિલા અધિકાર આયોગમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યું છે.
અમેરિકા દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો હતો
અમેરિકા દ્વારા ઈરાનમાં થતા મહિલાઓના હિજાબ પ્રદર્શનને લઇને સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અમેરિકાનો આરોપ હતો કે ઈરાનનું મહિલાઓ પ્રત્યે સારુ વલણ નથી. જેથી યુ એનમાં અમેરિકાના પ્રસ્તાવ પર વોટીંગ કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજીક પરિષદ (ECOSOC)ના 29 સભ્યોએ 2022-2026 સુધી ઈરાનને સંયુક્ત રાષ્ટ્ર મહિલા અધિકાર આયોગમાંથી બહાર કાઢવા માટે વોંડીગ કર્યું હતું. જ્યારે 8 દેશોએ આની વિરુદ્ધ વોટીંગ કર્યું હતું. જ્યારે 16 સભ્યોએ તો વોટીંગમાં ભાગ જ નહોતો લીધો. આ પ્રસ્તાવમાં મોટાભાગના દેશોએ ઇરાનને સંયુક્ત રાષ્ટ્ર મહિલા અધિકાર આયોગમાં(UNCSW)માંથી બહાર કાઢવા માટે વોટીંગ કર્યું. અમેરિકાના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં અમેરીકાએ તાત્કાલિક અસરથી ઈરાનને આયોગમાંથી બહાર કાઢવાની માગ કરી હતી.
અમેરિકાએ પ્રસ્તાવમાં શું કહ્યું ?
અમેરિકાએ આ પ્રસ્તાવમા કહ્યું હતું કે ઈરાન મહિલાના માનવ અધિકારનું સતત ઉલંઘન કરતું આવ્યું છે. તે મહિલાઓ વિરુદ્ધ અતિશય બળનો ઉપયોગ કરે છે. અને તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવી લે છે. સંયુક્ત રાષ્ટ્ર મહિલા અધિકાર આયોગ તે ફક્ત મહિલાઓની સમાનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે છે. જેથી ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચારોને નજર અંદાજ કરી શકાય નહીં જેથી ઇરાનને યુએનની મહિલાઓ સંબંધિત વૈશ્વિક સંસ્થામાંથી બહાર રાખવામાં આવે. આ દલીલોને સમજીને યુએનએ અમેરિકાના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો અને બુધવારે વોટિંગ પછી આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો અને ઈરાનને મહિલા અધિકાર સંસ્થામાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, 10 દિવસમાં જ ટાઇફોઇડના 156 કેસ નોંધાયા