પંજાબ સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો, BSFના અધિકારક્ષેત્રને ઠેરવ્યું યોગ્ય
- સીમા સુરક્ષા દળના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો
- પંજાબ પોલીસની શક્તિઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું નથી : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 1 ડિસેમ્બર : શુક્રવારે પંજાબ સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સીમા સુરક્ષા દળના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. કોર્ટે કહ્યું છે કે, BSFના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના નિર્ણયમાં પંજાબ પોલીસની શક્તિઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું નથી. આ સાથે કોર્ટે બંને પક્ષોને સાથે બેસીને ચર્ચા કરવાની સલાહ પણ આપી છે. વર્ષ 2021માં કેન્દ્ર સરકારે 5 રાજ્યોમાં BSFનું કાર્યક્ષેત્ર વધારીને 50 કિલોમીટર કર્યું હતું. આ નિર્ણયનો પંજાબ અને પશ્ચિમ બંગાળ સરકારોએ વિરોધ કર્યો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
Supreme Court directs Centre, Punjab to amicably resolve issue of BSF jurisdiction in State
report by @DebayonRoy https://t.co/bMH0kN8wLh
— Bar & Bench (@barandbench) December 1, 2023
આ સમગ્ર મામલો શું છે?
હકીકતમાં, વર્ષ 2021માં કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય બોર્ડરથી BSFનું કાર્યક્ષેત્ર 15 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, BSF અધિકારીઓ અને જવાનો માટે સરહદી વિસ્તારોમાં સર્ચ, જપ્તી અને ધરપકડની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. સરકારના આ નિર્ણયનો તે સમયે પંજાબ અને પશ્ચિમ બંગાળની સરકારોએ વિરોધ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ મામલે શું કહ્યું?
આ મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે મૌખિક રીતે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારના આ નિર્ણયમાં પંજાબ પોલીસની શક્તિઓનું અતિક્રમણ થયું નથી. પંજાબ પોલીસ પાસેથી તપાસની સત્તા લેવામાં આવી નથી.” કોર્ટે કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને પંજાબ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ શાદાન ફરાસતને સાથે બેસીને જે મુદ્દાઓ પર બેન્ચે નિર્ણય લેવાનો છે તેના પર સંયુક્ત રીતે નિર્ણય લેવા જણાવ્યું હતું.
હવે આગળ શું થશે?
કોર્ટના આ નિર્દેશ મુજબ હવે બંને પક્ષો એકબીજા સાથે મળીને ચર્ચા કરશે. જેથી આગામી તારીખ પહેલા આ મુદ્દાઓનો ઉકેલ લાવી શકાય. કોર્ટે કહ્યું છે કે, “પંજાબના એડવોકેટ જનરલ આ બેઠકમાં ભાગ લઈ શકે છે.” મુખ્ય ન્યાયાધીશે આ મામલે પ્રથમ દૃષ્ટિએ કહ્યું કે, “એવા સીમાવર્તી અધિકાર છે જેનો ઉપયોગ BSF અને રાજ્ય પોલીસ બંને કરી શકે છે.”
આ પણ જુઓ : રૂ.2000ની 9760 કરોડના મૂલ્યની નોટ પરત આવવાની રાહ જોઈ રહી છે RBI