કેન્દ્ર સરકારને મોટો ઝટકો, બોમ્બે HCએ IT નિયમોમાં કરેલા સુધારા ગેરકાયદે ગણાવ્યા
મુંબઈ, 20 સપ્ટેમ્બર : બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે આઈટી નિયમોમાં કરવામાં આવેલા 2023ના સુધારાને ગેરબંધારણીય જાહેર કર્યા છે. આ સુધારાઓ હેઠળ, કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા પર બનાવટી અને ભ્રામક માહિતીને ઓળખવા માટે એક ફેક્ટ-ચેક યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે આને બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) અને અનુચ્છેદ 19 (ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા)નું ઉલ્લંઘન ગણાવ્યું અને IT નિયમોમાં 2023ના સુધારાને ગેરબંધારણીય ગણાવીને નકારી કાઢ્યા હતા.
જાણો આખો મામલો શું હતો ?
જાન્યુઆરી 2024 માં, આ સુધારા વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કોમેડિયન કુણાલ કામરા પણ મુખ્ય અરજીકર્તા હતા. તેમની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આ નિયમનો દુરુપયોગ કરીને સરકાર તેની વિરુદ્ધ ઉઠેલા અવાજને દબાવી શકે છે. જસ્ટિસ ગૌતમ પટેલ અને ડૉ. નીલા ગોખલેની ડિવિઝન બેન્ચ વચ્ચે આ બાબતે મતભેદ થયો હતો, જે પછી આ મામલો જસ્ટિસ અતુલ ચંદુરકર (ટાઈ-બ્રેકર બેન્ચ)ની બેન્ચને સોંપવામાં આવ્યો હતો. જસ્ટિસ ચંદુરકરની ટાઈબ્રેકર બેન્ચે આજે (20 સપ્ટેમ્બર) આ સુધારાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો.
બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય
બોમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આઈટી એક્ટમાં કરાયેલા સુધારાઓ ગૂંચવણભર્યા અને અસ્પષ્ટ છે, કારણ કે બનાવટી અને ખોટી માહિતીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી. આ સુધારો બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર), કલમ 19 (અભિવ્યક્તિની સ્વતંત્રતા), અને કલમ 19(1)(જી) (વ્યવસાયની સ્વતંત્રતા)નું ઉલ્લંઘન કરે છે. કોર્ટે એમ પણ કહ્યું કે આ નિયમો બંધારણની કલમ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર)નું ઉલ્લંઘન કરે છે.