મનીષ સિસોદિયાને મોટો ઝટકો, કોર્ટે ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવી
નવી દિલ્હી, 18 એપ્રિલ: દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી 26 એપ્રિલે સવારે 11 વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. કોર્ટે આરોપીઓને એવા દસ્તાવેજોની યાદી આપવાનો નિર્દેશ આપ્યો છે જેમની તપાસ હજુ બાકી છે. અગાઉ, કોર્ટે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી હતી.
ED કેસમાં કસ્ટડી લંબાવવામાં આવી
સિસોદિયાની આ ન્યાયિક કસ્ટડી દારૂ નીતિ સંબંધિત ED કેસમાં લંબાવવામાં આવી છે. મનીષ સિસોદિયાની કૌભાંડમાં કથિત ભૂમિકા બદલ 26 ફેબ્રુઆરી, 2023ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI દ્વારા ધરપકડ કરાઈ હતી. CBI FIR સંબંધિત મની-લોન્ડરિંગ કેસમાં EDએ 9 માર્ચ, 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ પર CBI તેમજ ED દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં સુધારો કરતી વખતે લાયસન્સ ધારકોને અનુચિત લાભ આપવા, લાયસન્સ ફી માફ કરવા અથવા ઘટાડવા અને સક્ષમ અધિકારીની મંજૂરી વગર ગેરરીતિ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સિસોદિયાની જામીન અરજી પર નિર્ણય?
આ પહેલા મનીષ સિસોદિયાની જામીન અરજી પર 15 એપ્રિલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન EDએ કોર્ટમાં અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ગંભીર કેસોમાં ટ્રાયલમાં વિલંબ એ આરોપી માટે જામીનનો આધાર ન હોઈ શકે. EDએ કહ્યું, જો સિસોદિયાના વકીલો ટ્રાયલમાં વિલંબને કારણે જ જામીન માટે દબાણ કરી રહ્યા છે, તો તેઓએ આ મુદ્દે એફિડેવિટ આપવી જોઈએ. EDએ કહ્યું કે અગાઉ પણ અમે કોર્ટને કહ્યું છે કે મોટી સંખ્યામાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી એવું કહી શકાય નહીં કે મુકદ્દમો ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યો છે.
12 એપ્રિલે કોર્ટે CBI અને EDને નોટિસ પાઠવીને એક સપ્તાહમાં જવાબ દાખલ કરવા કહ્યું હતું. સિસોદિયા વતી ચૂંટણી પ્રચાર માટે જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. તેના પર બંને તપાસ એજન્સીઓએ પોતપોતાની દલીલો રજૂ કરી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. હવે આ કેસમાં સીબીઆઈની દલીલો 20 એપ્રિલે સાંભળવામાં આવશે. આ પછી કોર્ટ જામીન અરજી પર પોતાનો નિર્ણય આપશે.
આ પણ વાંચો: શું મત આપવા જતી વખતે મોબાઈલ ફોન સાથે રાખવાની છૂટ છે? જાણો શું કહે છે નિયમ