આઝાદીનાં 75 વર્ષે આ બેટ પરના ગામોને મળ્યું પહેલું વોટિંગ બુથ


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ રાજ્યમાં તંત્ર એક્શનમાં આવ્યું છે. ભરુચમાં આવેલાં આલિયા બેટ પર અને જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ બુથ મુકવામાં આવ્યું છે. આઝાદી બાદ ગામમાં પહેલી વખત વોટિંગ બુથ આવતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આલિયા બેટ ગામમાં વોટિંગ બુથ ઊભું કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : ગુજરાત ઈલેક્શનને લઈને સટ્ટાબજાર ગરમાયુ, ભાજપ પર આટલા કરોડનો લાગ્યો દાવ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના વાગરાના આલિયા બેટના ૨૦૦ જેટલા મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં હંગામી મતદાન મથક ઊભું કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતા પત્રકાર પરિષદમાં આ માહિતી આપતા કહ્યું કે આલીયા બેટમાં કોઇ સરકારી કે અર્ધસરકારી ઇમારત ન હોવાથી ત્યાં મતદાન મથક ઊભું કરવું મુશ્કેલ હતું. પરંતુ હવે આલિયા બેટના ૨૦૦ મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં જ મતદાન મથક ઊભા કરવામાં આવશે. શિપિંગ કન્ટેનરવાળા પોલિંગ સેન્ટરમાં પીવાના પાણી પાણી જેવી પાયાની સુવિધાઓ પણ હશે.
જાફરાબાદના શિયાળ બેટ પર પણ મતદાન મથક ઊભા કરાશે
આ સિવાય અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે અન્ય કોઇ કનેક્ટિવિટી ન હોવાથી ત્યાં પણ મતદાન મથક ઊભું કરવા ચૂંટણીકર્મીઓની ટીમ બોટમાં બેસીને પહોંચશે. 4757 મતદારો ધરાવતું શિયાળબેટ જાફરાબાદ ટાઉનથી 15 કિ.મી દૂર છે. આ કામગીરી દરમિયાન, તાલાલાના માધુપુર અને જાંબુરમાં પણ સિદી સમુદાયના મતદારો માટે મતદાન મથક ઊભા કરાશે. બંને ગામના કુલ 3481 મતદાર પૈકી 90 ટકાથી પણ વધુ મતદારો સિદી સમુદાયના છે.

આ ગામોમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો
રાજયમાં જ્યારે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે ગુજરાતનાં આ એવા બે ગામો હતા, જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. રોજબરોજ કોરોનાથી સંક્રમિત દર્દીઓ તથા મૃતકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો ત્યારે હાંસોટ પાસે નર્મદા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે આવેલો આલિયાબેટ અને અમરેલીના જાફરાબાદ તાલુકામાં આવેલો શિયાળબેટ કે જ્યાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો.