22 રાજ્યોમાં 7 દિવસ સુધી મનમૂકીને વરસશે વરસાદ, એલર્ટ જારી
નવી દિલ્હી- 13 ઓગસ્ટ : હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.
હિમાચલ પ્રદેશમાં હજુ 30 લોકો ગુમ
હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 197 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ઉનાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. 31મી જુલાઈએ કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂરમાં ગુમ થયેલા 30 લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 28 મૃતદેહો મળી આવ્યા છે. રાજ્યમાં 27 જૂનથી નવમી ઓગસ્ટ સુધીમાં વરસાદના કારણે 110થી પણ વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
રાજસ્થાનમાં ભારે વરસાદ
હવામાન વિભાગ મુજબ, રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 4.64 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોલપુર, કરૌલી, ભરતપુર, દૌસા, ટોંક, સવાઈ માધોપુર અને જયપુરમાં સતત વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા છે. સવાઈ માધોપુર જિલ્લામાં ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદને કારણે રણથંભોરમાં 100થી વધુ લોકો ફસાયા છે, તેમને બચાવવા માટે રેસ્કયૂ ઑપરેશન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, આતંકવાદીઓના સૌથી મહત્વપૂર્ણ મોડ્યુલ કર્યું ખત્મ, 8ની ધરપકડ