2017માં કોંગ્રેસ વધુ જિલ્લામાં જીતી હતી, છતાં કેમ સત્તા વાપસીમાં ભાજપે બાજી મારી?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થશે જે અંતર્ગત 1લી ડિસેમ્બરે 89 બેઠક માટે પ્રથમ ફેઝનું જ્યારે 5મી ડિસેમ્બર 93 બેઠક પર બીજા ફેઝનું મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે જ પરિણામ પણ આવશે. ગત વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી પરંતુ આ વખતે મુકાબલો ત્રિકોણીય જોવા મળશે.
2017માં ગુજરાતના કયા ક્ષેત્રમાં કોને કેટલા વોટ મળ્યા હતા, કયા ક્ષેત્રમાં ભાજપને લીડ મળી, કયા ક્ષેત્રમાં કોંગ્રેસને? કયા વિસ્તારમાં ભાજપે નિર્ણાયક બઢત મેળવી? કયા જિલ્લામાં ભાજપે બઢત બનાવી અને કેટલામાં કોંગ્રેસ આગળ રહી? આવો જાણીએ…
2017માં ગુજરાતના કયા ક્ષેત્રમાં કોને કેટલી સીટ મળી હતી?
ગુજરાતની કુલ 182 બેઠક પર બહુમતી માટે 92 સીટની જરૂર રહે છે. 2017ની વિધાનસભા ચૂંટણી ભાજપને 99, કોંગ્રેસને 77 સીટ મળી હતી. જ્યારે છ અપક્ષ અને અન્યના ખાતામાં ગઈ હતી. રાજ્યની સીટને ક્ષેત્રની દ્રષ્ટીએ જોઈએ તો મધ્ય ગુજરાતમાં 61, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 54, ઉત્તર ગુજરાતમાં 32 અને દક્ષિણ ગુજરાતમાં 35 સીટ આવે છે.
2017ની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની 61 સીટમાંથી 37 સીટ ભાજપના ખાતામાં ગઈ હતી, જ્યારે કોંગ્રેસને 22 સીટ મળી હતી. તો અન્યના ખાતામાં 2 સીટ ગઈ હતી. એટલે કે મધ્ય ગુજરાતમાં ભાજપને લીડ મળી હતી.
કચ્છ-સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું પ્રદર્શન ભાજપથી સારું રહ્યું હતું. કોંગ્રેસ આ વિસ્તારની 54 સીટમાંથી 30 બેઠક પર જીત નોંધાવી હતી જ્યારે ભાજપને ફાળે માત્ર 23 સીટ આવી હતી. તો અન્યના ખાતામાં એક સીટ ગઈ હતી.
ઉત્તર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. આ વિસ્તારની 32માંથી 17 સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. તો 14 સીટ પર ભાજપને જીત મળી હતી. જ્યારે 1 સીટ પર કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી જીત્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં ભાજપે એકતરફી જીત નોંધાવી હતી. આ ક્ષેત્રની 35 સીટમાંથી 25 સીટ પર ભાજપે ભગવો લહરાવ્યો હતો. તો 8 સીટ પર કોંગ્રેસ જ્યારે 2 સીટ પર અન્યએ કબજો કર્યો હતો.
કયા વિસ્તારમાં ભાજપે નિર્ણાયક લીડ મેળવી હતી?
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જ્યાં ભાજપે લીડ મેળવી હતી, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું. જો કે સૌરાષ્ટ્રના સૌથી મોટા જિલ્લા રાજકોટમાં કોંગ્રેસને ધાર્યા મુજબની સફળતા મળી ન હતી. જિલ્લામાં 8માંથી 6 બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી.
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું પ્રદર્શન ભાજપની તુલનાએ સારું રહ્યું હતું. આ વિસ્તારમાં કોંગ્રેસને ભાજપથી 3 સીટ વધુ મળી હતી. જ્યારે એક સીટ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી.
મધ્ય ગુજરાત બેઠકોની સંખ્યાની દ્રષ્ટીએ સૌથી વધુ છે. આ વિસ્તારમાં અમદાવાદ, વડોદરા જેવાં જિલ્લાઓ આવે છે જે ભાજપનો ગઢ ગણાય છે. આ વિસ્તારની 61 બેઠકમાંથી 37 સીટ પર ભાજપને સફળતા મળી હતી.
દક્ષિણ ગુજરાતમાં 35માંથી 25 સીટ એકલા ભાજપના ખાતામાં ગઈ હતી. આ વિસ્તારમાં કોંગ્રેસ સૌથી વધુ નબળી પુરવાર થઈ હતી. દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને વડોદરા જેવાં મોટા જિલ્લાઓને કારણે જ 2017માં ભાજપ સત્તા ટકાવી રાખવામાં સફળ રહી હતી.
કેટલા જિલ્લામાં ભાજપે લીડ મેળવી તો કઈ જગ્યાએ કોંગ્રેસ આગળ રહી હતી?
ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. આ જિલ્લામાં અમદાવાદમાં સૌથી વધુ 21, સુરતમાં 16 અને વડોદરામાં 10 સીટ છે.આ ત્રણ મોટા જિલ્લામાં ભાજપને એકતરફી જીત મળી હતી. અમદાવાદની 21 સીટમાંથી ભાજપને ફાળે 15, સુરતની 16 બેઠકમાંથી 15 તો વડોદરાની 10 સીટમાં 8 સીટ કબજે કરવામાં ભાજપને સફળતા મળી હતી. આ ત્રણ જિલ્લામાં જ ભાજપ 38 સીટ મેળવવામાં સફળ રહ્યું હતું.
જો 9 સીટ બનાસકાંઠા અને 8 સીટ રાજકોટની જોડવામાં આવે તો 5 સૌથી વધુ સીટવાળા જિલ્લામાં ભાજપને 47 બેઠક મળી હતી. આ જિલ્લામાં કુલ 64માંથી 16 સીટ જ કોંગ્રેસ જીતી શકી હતી. કુલ 33 જિલ્લામાંથી 13 જિલ્લામાં ભાજપને સૌથી વધુ સીટ મળી. તો 15 જિલ્લામાં કોંગ્રેસની સીટ ભાજપથી વધુ હતી. પાંચ જિલ્લા એવા હતા જ્યાં બંને પાર્ટી બરોબરી પણ રહી.
એવા પણ જિલ્લા કે જ્યાં ભાજપ-કોંગ્રેસને સીટ જ ન મળી
બંને પાર્ટીઓના અનેક જિલ્લામાં ખાતા જ ખુલ્યા ન હતા. કુલ 7 જિલ્લા એવા હતા જ્યાં ભાજપ ખાતું જ ખોલાવી શક્યું ન હતું. જેમાં અમરેલી, નર્મદા, ડાંગ, તાપી, અરવલ્લી, મોરબી અને ગિર સોમનાથ જિલ્લા સામેલ હતા. તો બે જિલ્લા એવા હતા જ્યાં 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું ન હતું. જેમાં પંચમહાલ અને પોરબંદર જિલ્લો સામેલ હતો.