10 વર્ષમાં રેલવેમાં આટલા લાખ લોકોને મળી નોકરી, આંકડા જોઈ ચકરાઈ જશે તમારી આંખો

નવી દિલ્હી, 25 જુલાઈ: રેલવે મંત્રાલયમાં છેલ્લા વર્ષોમાં બમ્પર પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું કે વર્ષ 2014 થી 2024 સુધી રેલવેએ લાખો નોકરીઓ આપી છે. આ દરમિયાન રેલવે દ્વારા 5.02 લાખ નોકરીઓ આપવામાં આવી છે. કોવિડ-19 પ્રતિબંધોમાં છૂટછાટ બાદ, 1,30,581 ઉમેદવારોની કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) દ્વારા ભરતી કરવામાં આવી છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કહ્યું કે 2014 થી 2024 ની વચ્ચે રેલવેએ 5.02 લાખ નોકરીઓ પ્રદાન કરી છે. આ ભરતી 2004 થી 2014 સુધીની યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલી 4.11 લાખ નોકરીઓ કરતાં વધુ છે. રેલ્વે મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે 211 શહેરોમાં 726 કેન્દ્રો પર 1.26 કરોડથી વધુ ઉમેદવારો માટે 28 ડિસેમ્બર, 2020 થી 31 જુલાઈ, 2021 સુધી 7 તબક્કામાં CBT હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે તે જ રીતે, 17 ઓગસ્ટ, 2022 થી 11 ઓક્ટોબર, 2022 સુધીના માત્ર એક મહિનાના સમયગાળામાં, 5 તબક્કાઓ દરમિયાન 191 શહેરોમાં 551 કેન્દ્રો પર CBT દ્વારા 1.1 કરોડથી વધુ ઉમેદવારોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
કોઈ પેપર લીક થયું ન હતું
મંત્રીએ કહ્યું કે રેલવે ભરતી બોર્ડ (RRB)ની પરીક્ષાઓ તદ્દન ટેકનિકલ છે, જેમાં મોટી સંખ્યામાં લોકો અને સંસાધનો અને કર્મચારીઓને તાલીમની જરૂર પડે છે. આ તમામ પડકારોને રેલવેએ પાર કરી લીધા છે. રેલવેએ તમામ નિયમોનું પાલન કરીને પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ સમયગાળા દરમિયાન પેપર લીક કે અન્ય કોઈ બાબત પ્રકાશમાં આવી નથી.
ભરતી વ્યવસ્થાપનમાં સુધારો
રેલવે મંત્રીએ વધુમાં કહ્યું કે રેલવે મંત્રાલયે આ વર્ષે ગ્રુપ ‘C’ પોસ્ટ માટે વાર્ષિક કેલેન્ડર રજૂ કરીને ભરતી વ્યવસ્થાપનમાં સુધારો કર્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2024 સુધીમાં કુલ 32,603 ખાલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં RPFમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ, ટેકનિશિયન, સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ જેવી પોસ્ટનો સમાવેશ થાય છે.
કેલેન્ડરનો શું ફાયદો છે
ઉમેદવારો માટે વધુ પરીક્ષાઓ યોજવાની તકો વધશે. દર વર્ષે લાયકાત મેળવનાર ઉમેદવારોને તક મળશે. પરીક્ષાઓની તારીખો અગાઉથી નક્કી કરવામાં આવશે જે ઉમેદવારોને તૈયારી કરવાનું સરળ બનાવશે. ભરતી, તાલીમ અને નિમણૂકની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.
આ પણ વાંચો :PHOTO: પુણેમાં રસ્તાઓ બન્યા નદી, ઘરો અને દુકાનોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા કઢાયા બહાર