અમદાવાદએજ્યુકેશનગુજરાત

અમદાવાદમાં 10 વર્ષમાં 55 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદ, 14 જૂન 2024, ગુજરાતમાં ખાનગી સ્કૂલોની મોંઘીદાટ ફી અને અન્ય ખર્ચાઓથી કંટાળેલા વાલીઓ હવે સરકારી સ્કૂલો તરફ વળ્યાં છે. સરકારી સ્કૂલોમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે. તેને પગલે સરકારી સ્કૂલ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. જેથી હવે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છોડીને હવે વાલીઓ તેમનાં બાળકોને સરકારી સ્કૂલમાં મૂકતા થયા છે. અમદાવાદ શહેરના છેલ્લાં 10 વર્ષના આંકડા જોઇએ તો, કુલ 55,603 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું છે.

સરકારી શાળાઓમાં મળતું ગુણવત્તાયુક્ત શિક્ષણ
અમદાવાદ શહેરમાં વર્ષ 2014-15માં કુલ 4397 વિદ્યાર્થીઓ, 2015-16માં 5481 વિદ્યાર્થીઓ, 2016-17માં 5005 વિદ્યાર્થીઓ, 2017-18માં 5219 વિદ્યાર્થીઓ, 2018-19માં 5791 વિદ્યાર્થીઓ, 2019-20માં 5272 વિદ્યાર્થીઓ, 2020-21માં 3334 વિદ્યાર્થીઓ, 2021-22માં 6289 વિદ્યાર્થીઓ, 2022-23માં 9500 વિદ્યાર્થીઓ તેમજ 2023-24માં 5315 જેટલા વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.સરકારી શાળાઓમાં મળતું ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ સમયની સાથે કદમથી કદમ મિલાવીને ટેક્નોલોજીયુક્ત શિક્ષણ, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણવિદ્ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી
આ અંગે વાત કરતા અમદાવાદ શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈએ મીડિયાને કહ્યું કે, ‘રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓ જેમ કે, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી પુરસ્કૃત સ્કોલરશીપ યોજનાઓ, રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવતા ઉચ્ચ લાયકાત ઘરાવતા તાલીમબદ્ધ શિક્ષકો, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગતની શાળાઓ, સ્માર્ટ શાળા, અદ્યતન કમ્પ્યૂટર લેબ, સાયન્સ લેબ, સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત પ્રોગ્રામ તેમજ માળખાકીય સુવિધામાં વધારો થયો છે. નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. આ શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓને મળી સરકારી સ્કૂલ્સમાં એડમિશન લેવાના ફાયદા અંગે જણાવી રહ્યા છે. આ વર્ષે 31 ઓગસ્ટ, 2024 સુધી એડમિશન પ્રોસેસ ચાલું રહેવાને કારણે આ વર્ષના આંકડામાં હજુ પણ વધારો થઇ શકે એમ છે.

ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ
જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી ડૉ.સુજય મહેતાએ કહ્યું કે, કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવની વિચારધારા અત્યંત ઉપયોગી પુરવાર થઇ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓની એકેડમિક સ્ટ્રેન્થ વધવી, માળખાકીય સુવિધાઓમાં વધારો થવો, રેસિડેન્શિયલ સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ, આધુનિક પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલોપમેન્ટ અંગેના અભ્યાસક્રમો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને સક્રિય બનાવાથી પણ ઘણો ફાયદો થયો છે. આ સિવાય સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ્સ સામે સ્પર્ધા શરૂ થઈ છે.

આ પણ વાંચોઃબનાસકાંઠા: ડીસામાં ટ્રાફિક પોલીસનું આકસ્મિક સ્કૂલ વાન ચેકિંગ હાથ ધરાયુ

Back to top button