ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની એક ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ નવા વિવાદમાં ફસાતા જોવા મળી રહ્યાં છે. વાયરલ થયેલા કોલ રેકોર્ડમાં એક પુરુષ કે જેનો અવાજ ઈમરાન ખાન જેવો જ છે, તે એક મહિલા સાથે અશ્લીલ વાત કરતા સંભળાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પુરુષ ઈમરાન ખાન જ છે. તો ઈમરાન ખાનની પાર્ટીએ આ ઓડિયો ક્લિપને ફેક ગણાવી છે.
ઈમરાનની પાર્ટી PTIનું કહેવું છે કે ઈમરાન ખાનના વિરોધીઓ તેમની છબિ ખરાબ કરવા માટે આવી હરકત કરી રહ્યાં છે. PTIના નેતા ડૉ. અર્સલાન ખાલિદે કહ્યું- PTI અધ્યક્ષના રાજનીતિક વિરોધી નકલી ઓડિયો અને વીડિયો બનાવવાથી વધુ ન વિચારી શકે.
પાકિસ્તાનના પત્રકારે ઓડિયો લીક કર્યો
કોલ રેકોર્ડિંગને ભાગમાં પાકિસ્તાનના પત્રકાર સૈયદ અલી હૈદરે યૂટ્યૂબ ચેનલ પર લીક કર્યો છે. ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ (કથિત રીતે ઈમરાન ખાન)ને એક મહિલા સાથે અભદ્ર ભાષામાં વાત કરતો સંભળાય છે. દાવો તો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ ક્લિપ પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયની છે. માનવામાં આવે છે કે પહેલા ઓડિયોમાં ઈમરાન ખાન જે મહિલા સાથે વાતચીત કરી રહ્યો છે, તે તેમની જ પાર્ટી PTIની સાંસદ કે નેતા છે.
સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા ઈમરાન ખાન
આ કથિત કોલ ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ ઈમરાન ખાન લોકોના નિશાને આવી ગયા છે. પાકિસ્તાનની મહિલા પત્રકાર નૈલા ઈનાયતે ટ્વિટર પર લખ્યું- કથિત કોલ લીકમાં ઈમરાન ખાન હવે ઈમરાન હાશમી બની ગયા છે. તો ભારતીય રક્ષા વિશ્લેષણ રિટાયર્ડ મેજર ગૌરવ આર્યએ પણ આ અંગે મજા માણી. પોતાના ટ્વિટર હેન્ડલ પર તેમણે લખ્યું- પાકિસ્તાનથી કોઈએ મને એક પાકિસ્તાની પત્રકાર તરફથી ચલાવવામાં આવતા સૈયદ અલી હૈદર ઓફિશિયલ નામના યૂટ્યૂબ ચેનલનો એક વીડિયો મોકલ્યો. એવું કહેવાય છે કે આ ઓડિયો ક્લિપ ઈમરાન ખાનની છે, જેમની સાથે 2 મહિલાઓ હતી.
પહેલાં પણ વાયરલ થયો હતો કોલ રેકોર્ડ
આ પહેલાં પણ ઈમરાન ખાનની કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ હતી. ઓક્ટોબરમાં ઈમરાન ખાનનો એક કથિત ઓડિયો સામે આવ્યો હતો, જેમાં તે સંસદમાં અવિશ્વાસ મતથી સાંસદોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ પોતાની સરકાર બચાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. ઈમરાન ખાન સાથે જોડાયેલી એક ઓડિયો ક્લિપ લીક થઈ હતી જેમાં તેમણે માર્ચ 2022માં વોશિંગ્ટનમાં પાકિસ્તાનના રાજદૂત દ્વારા મોકલવામાં આવેલા ગુપ્ત સંદેશ અંગે વાત કરતા સાંભળવામાં આવ્યા હતા, જેમાં તેમણે સત્તા પરથી દૂર કરવાની યોજના હતી.