ઇસ્લામાબાદઃ તાજેતરમાં જ પાકિસ્તાનની સત્તા પરથી હટાવાયેલાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ હવે ચૂંટણી પંચ સામે બ્યુગલ ફૂ્ંક્યું છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ફવાદ ચૌધરીએ રવિવારે જાહેરાત કરી હતી કે, પાર્ટી 26 એપ્રિલે દેશભરમાં ચૂંટણી પંચ (ECP)ના કાર્યાલયોમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સિકંદર સુલતાન રાજાના વર્તન સામે વિરોધ કરશે.
ટ્વીટ કરી જાણકારી આપી
ઈમરાનના ખાસ ફવાદ ચૌધરીએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા જણાવ્યું હતું કે, રવિવારે પાર્ટીની રાજકીય સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ECP સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર પર પક્ષપાતી અને અપ્રમાણિક હોવાનો આરોપ લગાવ્યો.
અસંતુષ્ટ સભ્યોને હટાવવાની માગ ન સ્વીકારતા વિરોધ
ચૌધરીએ આરોપ લગાવ્યો કે, પીટીઆઈના અસંતુષ્ટ વિધાનસભા સભ્યોને હટાવવાની માંગ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ECP એ હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી. આ સંબંધે પીટીઆઈ મંગળવારે દેશભરમાં ECP કાર્યાલયો સામે ચૂંટણી કમિશનરના વર્તન સામે વિરોધ પ્રદર્શન કરશે.
ઇમરાને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી
એક દિવસ પહેલાં પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાને સીઈસીને રાજીનામું આપવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમની પાર્ટી ચૂંટણી કમિશનરને ‘પક્ષપાતી’ માને છે. પોતાના બાની ગાલા નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઇમરાને કહ્યું હતું કે, પીટીઆઈને સીઈસી પર વિશ્વાસ નથી, તેના તમામ નિર્ણયો પાર્ટી વિરુદ્ધ હતા. દરમિયાન CEC સિકંદર સુલતાન રાજાએ શનિવારે રાત્રે ડોન સમાચાર સાથે વાત કરતા કહ્યું કે, તેમનો રાજીનામું આપવાનો કોઈ ઈરાદો નથી અને તેઓ દેશના શ્રેષ્ઠ હિતમાં કામ કરવાનું ચાલુ રાખશે.