તોશાખાના કેસ: ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલની સજા
ઈસ્લામાબાદ (પાકિસ્તાન), 31 જાન્યુઆરી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના કેસમાં બંનેને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝના રિપોર્ટમાં આ અંગે જાણકારી આપી છે. જેમાં બંનેને કડક સજા ફાટકારાઈ છે. એટલું જ નહીં, આ નિર્ણય હેઠળ ઈમરાન ખાન અને બુશરા બીબી પર 10 વર્ષ સુધી કોઈપણ સરકારી પદ પર રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Imran Khan, Bushra Bibi sentenced to 14 years with rigorous punishment in Toshakhana case, reports Pakistan’s Geo News. pic.twitter.com/vBd79s3EDh
— ANI (@ANI) January 31, 2024
ગોપનીય દસ્તાવેજ લીક કેસમાં 10 વર્ષની કેદ
નોંધનીય છે કે એક દિવસ પહેલા જ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને ગુપ્ત માહિતી લીક કરવા બદલ 10-10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ઈમરાન ખાન માટે સતત બે દિવસમાં આ બીજો ઝટકો લાગ્યો છે. બંનેને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ રચવામાં આવેલી વિશેષ અદાલત દ્વારા ગોપનીય માહિતી લીક કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. ઈમરાન ખાન અને શાહ મહેમૂદ કુરેશી રાવલપિંડીની અદિયાલા જેલના સળિયા પાછળ સજા ભોગવી રહ્યા છે.
શું છે તોશાખાના કેસ, જેમાં ઈમરાન જશે જેલ?
પૂર્વ પીએમ ઈમરાન પર તોશાખાના કેસમાં નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટ તોશખાનામાં રાખવામાં આવે છે. તોશાખાનાના નિયમો અનુસાર, સરકારી અધિકારીઓ કિંમત ચૂકવ્યા પછી જ ભેટ પોતાની પાસે રાખી શકે છે. જો કે, ઈમરાન ખાન અને તેમની પત્ની પર આરોપ છે કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ કરીને ભેટોને ઓછી કિંમતે પોતાની પાસે રાખી છે. ત્યારબાદ તોશખાના મામલાને લઈને ઈમરાન ખાનને પાકિસ્તાનના ચૂંટણી પંચે ગેરલાયક ઠેરવ્યા હતા. તેમજ તેમને રાજ્યની ભેટના વેચાણમાંથી આવક છૂપાવવા માટે પણ દોષી ઠેરવવામાં આવ્યા હતા. આમ, બે દિવસની અંદર ઈમરાન ખાનને બે મોટા આચંકા લાગ્યા છે.
આ પણ વાંચો: પૂર્વ PM ઈમરાન ખાનને તોશાખાના કેસમાં ફટકો, SC એ પણ અરજી કરી પરત