સાયન્સ એન્ડ ટેકનોલોજી

બેંક સર્વિસ મેળવવી સરળ, જાણો તેની અલગ-અલગ રીત ?

હવે સમય બદલાઈ ગયો છે. વર્ષોથી આપણને ATMમાંથી 24 કલાક રૂપિયા ઉપાડવાની સગવડ મળી ગઈ. એ જ રીતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને કારણે એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયાની લેવડદેવડ પણ સાવ સરળ બની ગઈ. નેટબેંકિંગ અને વિવિધ બેંકની મોબાઇલ એપ્સ દ્વારા ગમે ત્યાંથી બેંકિંગ શક્ય બન્યું છે. પરંતુ પહેલાં આપણી વિવિધ બેંક્સની એપમાં કે વેબસાઇટ પર લોગઇન સમયે ટુ-સ્ટેપ-વેરિફિકેશન જેવી સલામતી વ્યવસ્થા પણ નહોતી. એમાંથી હવે સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. હવે મોટા ભાગની જાણીતી બેંક ઘણી સારી સલામતી વ્યવસ્થા આપી રહી છે. પરંતુ એ જ કારણે, બેંકની સાઇટ કે એપમાં લોગઇન થવું વધુ ને વધુ ઝંઝટભર્યું બની રહ્યું છે.એટલે હવે બેંકો સામાન્ય સેવાઓ વોટ્સએપ પર ઓફર કરવા લાગી છે.

banking service
banking service

બેંકિંગ વ્યવસ્થા પરનો ભાર ઘટાડવો અને ઓછી ઝંઝટે, ઝડપી સુવિધાઓ આપવી. તમારો પણ આ અનુભવ હશે જ કે આપણી બેંકની વેબસાઇટ કે મોબાઇલ એપમાં લોગઇન થતી વખતે આપણે સલામતી વ્યવસ્થાના ઘણા કોઠા ભેદવા પડે છે – પાસવર્ડ એકદમ મજબૂત રાખવાનો, પાછો યાદ રાખવાનો, કેપ્ચા કોયડો ઉકેલવાનો, બીજા બ્રાઉઝરમાંથી લોગઇન કરવા જાઓ તો સિક્યોરિટી ક્વેશ્ચન્સના જવાબ આપવાના, કંઈ ભૂલ થાય તો નેટ બેન્કિંગ 24 કલાક માટે બ્લોક થઈ જાય! વાત આપણાં જ નાણાંની સલામતી માટે છે, પણ આખી પ્રક્રિયા ઝંઝટભરી બને છે.

બેંકમાંથી રકમ ટ્રાન્સફર કરવી હોય કે આખા વર્ષનું સ્ટેટમેન્ટ મેળવવું હોય કે નવી એફડી ખોલાવવી હોય વગેરે કામ માટે આ ઝંઝટ આપણે સહન કરી લઇએ, જ્યારે ફક્ત ખાતાનું લેટેસ્ટ બેલેન્સ જાણવું હોય કે પાછલા પાંચેક ટ્રાન્ઝેકશનની વિગતો જાણવી હોય તો એ માટે લોગઇનની આટલી બધી ઝંઝટ આપણને આકરી લાગે. વિવિધ બેંક્સ એનો ઉપાય આપવા લાગી છે.

ઈ-પાસબુક એપ્સ

હવે બેંક્સ ઇ-પાસબુક એપ ઓફર કરવા લાગી છે. આવી એપ ડાઉનલોડ કર્યા પછી તેમાં આપણો કસ્ટરમર આઇડી આપી, પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મેળવીને રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ. પછી એટીએમના પિનકોડ જેવો એમપિન જનરેટ કરી, ફક્ત એ એક એમપિનની મદદથી આપણે ઇચ્છીએ ત્યારે પોતાના બેંક ખાતાની વિગતો પલકવારમાં મેળવી શકીએ છીએ. આવી માત્ર પાસબુકની સગવડ આપતી એપ્સમાં અન્ય કોઈ પણ પ્રકારનું બેંકિંગ કામકાજ થઈ શકતું નથી. એટલે સામાન્ય ઉપયોગ માટે એ વધુ સલામત પણ રહે છે.

વોટ્સએપ પર બેંકની સર્વિસ

હવે વિવિધ બેંક્સ હજી એક ડગલું આગળ વધી રહી છે અને લોકોમાં અત્યંત પોપ્યુલર વોટ્સએપ મેસેજિંગ પ્લેટફોર્મ પર આ જ પ્રકારની સર્વિસ આપવા લાગી છે. આથી આપણે પાસબુક એપ પણ ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેતી નથી. ટેકનોવર્લ્ડમાં આપણે અવારનવાર ચેટબોટની વાત કરી છે. જુદી જુદી બેંક્સ પોતાની સર્વિસ વોટ્સએપ પર આપવા માટે આવા જ ચેટબોટ્સનો ઉપયોગ કરી રહી છે.

ગૂગલને હરાવી, વોટ્સએપે બાજી મારી

આપણા બેંક સંબંધિત તમામ ટ્રાન્ઝેક્શનની વિગતો આપણને હજી પણ એસએમએસ દ્વારા જ આપવામાં આવે છે. જૂની એસએમએસ પદ્ધતિમાં માત્ર ટેક્સ્ટ મેસેજ મળતા, ગૂગલે તેમાં રિચ કમ્યુનિકેશન સર્વિસ નામે વોટ્સએપ જેવાં જ ફીચર ઉમેરવાની કોશિશ કરી. પરંતુ આ આખી વાત હજી ખાસ પોપ્યુલર થઈ શકી નથી.

બીજી તરફ મેટા કંપનીએ વોટ્સએપમાં ચેટબોટની મદદથી વિવિધ પ્રકારના બિઝનેસ માટે પોતાના યૂઝર સાથેનું કમ્યુનિકેશન એકદમ સહેલું બનાવી દીધું છે. ભારતમાં વોટ્સએપ અત્યંત પોપ્યુલર હોવાથી વિવિધ બિઝનેસ પણ તેના તરફ વળી રહ્યા છે! દરેક બેંક વોટ્સએપમાં ચેટબોટની મદદથી આ સુવિધા આપે છે, એટલે દરેકમાં રજિસ્ટ્રેશનની વિવિધ લગભગ એક સરખી છે. આપણે પોતાની બેંકની વેબસાઇટ પરથી આ માટેનો નંબર જાણવાનો રહે છે (બેંક સામાન્ય રીતે ટ્વીટર પર પણ તેની જાણ કરે છે અને ખાતાધારકને મેસેજ પણ મોકલે છે). આપણે બેંકમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી, એ નંબર પર ‘Hi’ મેસેજ મોકલવાનો રહે છે. એ પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને અનુસરી રજિસ્ટ્રેશન પૂરું કરવાનું રહે છે. અમુક બેંક આ માટે કોઈ ચોક્કસ નંબર પર મિસ્ડ કોલ આપવાનું કહે છે અથવા રજિસ્ટ્રેશનનો નિશ્ચિત મેસેજ એસએમએસ કરવાનું કહે છે.

આમાંથી કોઈ પણ રીતે રજિસ્ટ્રેશન પૂરું કરી, બેન્કનો વોટ્સએપ સર્વિસ નંબર આપણે સેવ કરી રાખવાનો રહે છે. પછી ગમે ત્યારે એ નંબર પર ચેટ શરૂ કરતાં, વિવિધ વિકલ્પોનું મેનૂ મળે છે. તેમાંથી જોઇતો વિકલ્પ પસંદ કરી, એ મુજબની માહિતી મેળવી શકાય છે.

upi services
upi services

વિવિધ બેંક્સ જુદા જુદા પ્રમાણમાં વોટ્સએપ પર બેંકિંગ સર્વિસ પૂરી પાડે છે. જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હજી હાલમાં જ વોટ્સએપ પર પોતાની સર્વિસ શરૂ કરી છે અને તેમાં હાલમાં માત્ર બેલેન્સ ઇન્ક્વાયરી અને મિનિ સ્ટેટમેન્ટ મેળવી શકાય છે. બીજી તરફ એચડીએફસી જેવી બેન્ક વોટ્સએપ પર ૯૦થી વધુ સર્વિસ આપવા લાગી છે. મોટા ભાગે એકાઉન્ટનું બેલેન્સ, મિનિસ્ટેટમેન્ટ, ચેક સ્ટેટસ જાણવું, ડેબિટ કાર્ડ બ્લોક કરવું, ચેકબુક કે એકાઉન્ટ સ્ટેટમેન્ટ મંગાવવાં, રજિસ્ટર્ડ ઈ-મેઇલ એડ્રેસ જાણવું, યુપીઆઇ સર્વિસ ડિસેબલ કરવી, ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ઉપયોગ માટે કાર્ડ બ્લોક કે ઇનેબલ કરવું, ફાસ્ટેગ બેલેન્સ જાણવું, નવા ફાસ્ટેગ માટે એપ્લાય કરવું વગેરે વિવિધ સર્વિસ હવે વોટ્સએપ પર જ શક્ય થઈ ગઈ છે.

આઇસીઆઇસીઆઇ જેવી કેટલીક બેંક હિન્દીમાં પણ વોટ્સએપ સર્વિસ આપે છે.

વોટ્સએપ પર બેન્કિંગ ખરેખર સગવડભર્યું છે અને લગભગ કોઈ જ ઝંઝટ વિના આપણે પોતાના ખાતા સંબંધિત જુદી જુદી ઘણી માહિતી જાણી શકીએ છીએ. આ પદ્ધતિમાં સલામતી બે રીતે છે – એક તો, વોટ્સએપના બધા જ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે એટલે વચ્ચે કોઈ તેને વાંચી શકતું નથી. બીજું, આ પદ્ધતિમાં રૂપિયાની કોઈ લેવડદેવડ સંકળાયેલી નથી, આ રીતે માત્ર ખાતાની વિિવધ માહિતી જાણી શકાય છે કે નાણાં સિવાયનાં વિવિધ એક્શન લઈ શકાય છે.

તેમ છતાં, તમારે નિયમિત રીતે બેન્ક બેલેન્સ જાણવા સિવાય બેન્કનું ખાસ કંઈ કામ રહેતું ન હોય અને તમારી બેન્ક ઇ-પાસબુક એપ ઓફર કરતી હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય.

વોટ્સએપમાં બેન્કિંગ સર્વિસનો લાભ લેતી વખતે કઈ બાબતોની કાળજી લેવી તેની નીચે વધુ વિગતવાર વાત કરી છે.

વોટ્સએપ પર બેંકિંગ સર્વિસનો લાભ લેવાનું સગવડભર્યું છે અને સલામત પણ છે, પરંતુ ત્યારે જ જ્યારે આપણે ખરેખર આપણી બેંક સાથે જ ચેટ કરી રહ્યા હોઈએ!

સૌથી પહેલાં તો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સમયે બેંકની ઓફિશિયલ વેબસાઇટ કે સોશિયલ એકાઉન્ટ પરથી મળેલા નંબરને જ સેવ કરો અને તેમાં રજિસ્ટ્રેશન માટે આગળ વધો. આમ તો રજિસ્ટ્રેશનની પ્રોસેસ આપણા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી જ અને કસ્ટમર આઇડીની પ્રાથમિક વિગતો આપ્યા પછી જ થાય છે એટલે એ વાતની ખાસ ચિંતા રાખવા જેવું નથી.

વોટ્સએપ પર બેંકના એકાઉન્ટને વેરિફાય કરવામાં આવે છે અને તે દર્શાવતું ગ્રિન ટિક તેના નામ પછી જોવા મળે છે તેની ખાતરી કરી લો.

એ પણ ખાસ યાદ રાખશો કે વોટ્સએપ દ્વારા બેંક ખાતાની બધી વિગતો, ડેબિટ/ક્રેડિટ કાર્ડ પિન અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ જેવી ખાનગી માહિતી ક્યારેય મોકલશો નહીં. બેંકના જ વોટ્સએપ નંબર પર પણ નહીં.

ફોન ખોવાઈ જાય તો શું કરવું?

આ સ્થિતિનો સામનો કરવા માટે, સૌથી પહેલાં તો ફોનને હંમેશા લોક્ડ રાખો. તેને પિન, પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ લોકથી સિક્યોર રાખો.

વોટ્સએપ એકાઉન્ટમાં પણ હવે યુપીઆઇ પેમેન્ટ પદ્ધતિ સામેલ હોવાથી, તેને અલગથી ફિંગરપ્રિન્ટ લોક કરી શકાય છે. એ માટે વોટ્સએપના સેટિંગ્સમાં, પ્રાઇવસીમાં છેક નીચે ફિંગરપ્રિન્ટ લોક ઇનેબલ કરવાનો ઓપ્શન મળશે. આ બંને લોક હોય પછી આપણો ફોન કોઈ અજાણી વ્યક્તિના હાથમાં જાય તો પણ ખાસ ચિંતા જેવું રહેતું નથી. ઉપરાંત, વોટ્સએપ બેન્કિંગ સર્વિસમાં મુખ્યત્વે ખાતાની માહિતી અને રૂપિયા સિવાયનાં એક્શન્સ લેવાતાં હોવાથી એ પદ્ધતિ સલામત છે.

ફોન ખોવાય તેવા સંજોગમાં વધુ સલામતી માટે, તમે [email protected] પર સબ્જેક્ટમાં Lost/stolen: Please deactivate my account એવો ઇ-મેઇલ મોકલી, તમારું વોટ્સએપ એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી શકો છો (નંબર ઇન્ટરનેશનલ ફોર્મેટમાં લખવાનો રહેશે એટલે કે નંબર પહેલાં +91).

Back to top button