મહિલાઓને સ્તન કેન્સરથી બચવા તબીબોએ કર્યાં મહત્ત્વનાં સૂચનો
- વધુમાં વધુ મહિલાઓને સ્ક્રીનિંગ મેમોગ્રાફી કરાવવા ડીન તેમજ રેડિયોલોજી વિભાગના વડાની અપીલ
- જેટલું વહેલું નિદાન એટલી જ સ્તન કેન્સર મટવાની શક્યતા વધારે : કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો.શિવાની ભટ્ટ
- સ્તન કેન્સર સામે રક્ષણ મેળવવા ડો.શિવાની ભટ્ટે જણાવ્યા મહત્વના ત્રણ સૂચન
જામનગરઃ મહિલાઓને સ્ક્રીનિંગ મેમોગ્રાફી કરાવવા જામનગરની શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજનાં ડીન ડો.નંદિની દેસાઈ તેમજ રેડિયોલોજી વિભાગના વડા ડો.નંદિની બાહરી દ્વારા અપીલ કરવામાં આવી છે. જામનગરમાં છેલ્લા દસ વર્ષથી કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપી રહેલા ડો. શિવાની ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે , “જેટલું વહેલું નિદાન એટલી જ કેન્સર મટવાની શક્યતા વધારે”. સ્તન કેન્સર સામે રક્ષણ મેળવવા ડો.શિવાની ભટ્ટે મહત્વના ત્રણ સૂચનો કર્યા છે.
કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો.શિવાની ભટ્ટે મહત્વના ત્રણ સૂચન કર્યાં
ભારતમાં બહેનોમાં સ્તન કેન્સરએ સૌથી વધુ જોવા મળતું કેન્સર છે. ત્યારે વહેલા નિદાન થકી કેન્સરને મહાત આપી શકાય છે અને આ માટે ત્રણ બાબતો દરેક સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વની છે. સ્તન કેન્સર સામે રક્ષણ મેળવવા ડો.ભટ્ટે મહિલાઓને ત્રણ મહત્વના સૂચન કરતાં જણાવ્યા મુજબ,
- પ્રથમ બાબત એ આપણા હાથમાં છે અને તે એટલે સ્તનની જાત તપાસ : 20 વર્ષથી મોટી ઉંમરની દરેક બહેનોએ દર મહિને નિયમિત રીતે પોતાના સ્તનની જાત તપાસ કરતા રહેવી જોઈએ અને જો ગાંઠ, લોહી નીકળવું, ચામડીમાં ફેરફાર વગેરે જેવા લક્ષણો જણાય તો શરમ કે સંકોચ રાખ્યા વગર તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.
- બીજી મહત્વની બાબત એ છે કે જો કોઈ પણ પ્રકારની તકલીફ કે લક્ષણો જણાતા ન હોય તો પણ દર વર્ષે સ્ત્રીરોગ નિષ્ણાત કે નજીકના ડોક્ટર પાસે સ્તન કેન્સર અંગેની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.ખૂબ જ નજીવા દરે થતી આ તપાસ આવનારી મુશ્કેલીમાંથી ઉગારી શકે છે.
- ત્રીજી મહત્વની બાબત સ્ક્રીનિંગ મેમોગ્રાફી છે. મેમોગ્રાફી એ સરળ રીતે થતી એક્સ-રે મશીનની તપાસ છે. 40 થી 45 વર્ષની ઉંમર પછી દરેક બહેનોએ કંઈ પણ તકલીફ ન હોય તેમ છતાં પણ મેમોગ્રાફીની તપાસ કરાવતા રહેવી જોઈએ. જ્યારે કોઈ જ લક્ષણો ન જણાતા હોય કે, કોઈ જ પ્રકારની મુશ્કેલી કે દુખાવો ન થતો હોય તેવા સંજોગોમાં પણ મેમોગ્રાફી મશીન સ્તનમાં રહેલી કેન્સરની નાનામાં નાની ગાંઠને પણ સરળતાથી પકડી પાડે છે અને જેને ઓછામાં ઓછી સારવાર સાથે મટાડી પણ શકાય છે.
વધુમાં ડો. ભટ્ટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે, કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ્ય જીવનશૈલી કેળવવી, શરીરનું વજન નિયંત્રણમાં રાખવું, કસરત કરવી, વ્યસનથી દૂર રહેવું, પ્રસુતી બાદ સ્તનપાન કરાવવું વગેરે જેવી બાબતો પણ ખૂબ જ મહત્વની છે અને આ બાબતો અનુસરવાથી જ આપણે આ કેન્સર સામેની લડાઈ સરળતાથી જીતી શકીશું.
એમ.પી.શાહ મેડિકલ કોલેજ દ્વારા પણ મહિલાઓને કરવામાં આવી અપીલ
આગામી શુક્રવારના રોજ વર્લ્ડ મેમોગ્રાફી ડે તથા વિશ્વ સ્તન કેન્સર જાગૃતિ માસની ઉજવણી પ્રસંગે શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડિન ડો. નંદીની દેસાઈ તેમજ રેડિયોલોજી વિભાગના વડા ડો. નંદીની બાહરીએ પણ જામનગરની મહિલાઓને અપીલ કરતા જણાવ્યું છે કે, “વધુમાં વધુ મહિલાઓ નિયમિતપણે સ્તન કેન્સર અંગેની તપાસ કરાવે અને કેન્સર શરીરમાં પ્રવેશે તે પહેલા જ તેની સામે રક્ષણ મેળવે. આ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સ્ક્રીનિંગ મેમોગ્રાફીની સુવિધા તદ્દન નજીવા દરે ઉપલબ્ધ છે જેનો વધુમાં વધુ મહિલાઓ લાભ લે.”
આ પણ જાણો :કચ્છની ૧૦૦૦ વર્ષથી પણ વધુ જૂની ખરડ કલાએ વટાવ્યા સીમાડા